- વર્લ્ડકપની તમામ લીગ મેચ પૂર્ણ થઈ
- પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપમાંથી થઈ બહાર
- ટીમના ખરાબ પ્રદર્શનને લઈ PCB કરી શકે કાર્યવાહી
વર્લ્ડકપ 2023માં સેમીફાઈનલમાં ન પહોંચનારી પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચિંગ સ્ટાફમાં મોટા ફેરફારો થઈ શકે છે. શક્ય છે કે પાકિસ્તાનના કોચિંગ સ્ટાફના તમામ વિદેશી ચહેરાઓને બરતરફ કરવામાં આવે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ઈમરજન્સી બેઠક બોલાવવા જઈ રહ્યું છે. જે બાદ પાકિસ્તાન ટીમના તમામ વિદેશી કોચને બરતરફ કરવામાં આવી શકે છે.
PCBમાં મોટા પદ પર છે વિદેશી ચહેરા
પાકિસ્તાન ટીમના કોચિંગ સ્ટાફમાં મોટાભાગે મોટા પદ પર વિદેશી ચહેરાઓ છે. ટીમ ડાયરેક્ટર મિકી આર્થર છે. ગ્રાન્ટ બ્રેડબર્ન મુખ્ય કોચ છે અને બેટિંગ કોચનું પદ એન્ડ્ર્યૂ પુતીક પાસે છે. પાકિસ્તાન ટીમના બોલિંગ કોચનું પદ દિગ્ગજ સાઉથ આફ્રિકાના બોલર મોર્ને મોર્કેલ પાસે હતું, પરંતુ તેણે પહેલા જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
વર્લ્ડકપ 2023માં ફ્લોપ શો
વર્લ્ડકપ 2023 પાકિસ્તાન માટે અપેક્ષા મુજબ બિલકુલ ન હતો. વર્લ્ડકપ પહેલા આ ટીમની ગણતરી ટ્રોફી જીતવાના દાવેદારમાં કરવામાં આવી રહી હતી, પરંતુ ટીમ અંતિમ 4માં પણ જગ્યા બનાવી શકી નથી. પાકિસ્તાનની ટીમે સતત બે મેચ જીતીને સારી શરૂઆત કરી હતી, પરંતુ ત્યાર બાદ તે બેક ટુ બેક મેચ હારી ગઈ હતી. જો કે, આ ટીમ અંત સુધી સેમીફાઇનલની રેસમાં રહી હતી.
પાકિસ્તાનના સ્ટાર ખેલાડી ન ચાલ્યા
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે આ વર્લ્ડકપમાં પાકિસ્તાની ફેન્સને નિરાશ કર્યા છે. જરૂરતના સમયે બાબરના બેટમાંથી રન આવી શક્યા નહતા. ઓપનિંગ બેટ્સમેન ઈમામ ઉલ હક અને ટીમના વાઇસ કેપ્ટન શાદાબ ખાનને પણ પાકિસ્તાન ટીમે નિરાશ કરી હતી. સ્થિતિ એવી હતી કે, ટીમ મેનેજમેન્ટે શાદાબ અને ઇમામ જેવા સ્ટાર ખેલાડીઓને પ્લેઇંગ-11માંથી બહાર રાખવા પડ્યા હતા.
પાકિસ્તાની ટીમમાં નહતો સારો સ્પિનર
પાકિસ્તાનને આ વર્લ્ડકપમાં એક સારા સ્પિનરની ખોટ પડી છે. ભારતની સ્પિન ફ્રેન્ડલી વિકેટ માટે પાકિસ્તાનની ટીમમાં સારા સ્પિનરોનો અભાવ તેના વહેલા બહાર થવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ફાસ્ટ બોલર હારીસ રઉફ ઘણો મોંઘો સાબિત થયો હતો. તેણે દરેક મેચમાં ઘણા રન આપ્યા છે.


