ઈરાને ફરી એક વખત ઈઝરાયેલ પર ઘણી બેલિસ્ટિક મિસાઈલો દ્વારા હુમલો કર્યો છે. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે આ હુમલામાં કોઈ મોટું નુકસાન થયું નથી અને મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી છે. તેની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલ-ઈરાનને શાંતિ સ્થાપિત કરવા માટે ડિલ કરવાની અપીલ કરી છે. તેમને આશા વ્યક્ત કરી છે કે બંને કટ્ટર દુશ્મન સમાધાન કરશે.
ઘણા ફોન અને બેઠકો થઈ રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે સાથે જ દાવો કર્યો કે તેમને તાજેત્તરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અને તેમના પ્રથમ કાર્યકાળમાં સર્બિયા અને કોસોવોની વચ્ચે ચાલી રહેલા ઝઘડાને ખતમ કરવામાં સફળતાપૂર્વક હસ્તક્ષેપ કર્યો હતો. તેવી જ રીતે ઈઝરાયેલ અને ઈરાનની વચ્ચે પણ જલ્દી જ શાંતિ સ્થાપિત થશે. હવે ઘણા ફોન અને બેઠકો થઈ રહી છે. ટ્રમ્પે કહ્યું કે હું ઘણું બધુ કરૂ છું અને ક્યારેય કોઈ વસ્તુઓનો શ્રેય લેતો નથી પણ તે સારૂ છે કે લોકો સમજે છે. આપણે મધ્ય પૂર્વને ફરીથી મહાન બનાવીશું. તમને જણાવી દઈએ કે ટ્રમ્પની આ ડિલ ત્યારે સામે આવી છે, જ્યારે અમેરિકા અને ઈરાનમાં ચાલી રહેલી ન્યૂક્લિયર ડિલ પર વાતચીત રદ્દ કરી દેવામાં આવી છે. બંને દેશો વચ્ચે છઠ્ઠા તબક્કાની વાતચીત આજે રવિવારે થવાની હતી.
ઈરાકે એર ડિફેન્સ સિસ્ટમ કરી એક્ટિવ
ઈઝરાયેલ-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે તેહરાનમાં 5 ગાડીઓમાં બોમ્બ બ્લાસ્ટ થયા છે. આ ઘટના માટે ઈરાને ઈઝરાયેલને જવાબદાર ગણાવ્યું છે. ત્યારે ઈઝરાયેલ તરફથી કરવામાં આવી રહેલા હુમલાને રોકવા માટે ઈરાકે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે. તેના માટે ઈરાને અપીલ કરતા કહ્યું હતું કે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયને ઈરાકને અપીલ કરી કે તે ઈસ્લામિક રિપબ્લિક પર હુમલો કરવા માટે ઈઝરાયેલને પોતાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવાથી રોકે.