કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરાશે : લોકોને કોઇપણ ફરિયાદ કરવા અપીલ
રાજકોટ શહેરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ શહેરમાં વધતા જતા ગુનાઓને લઇ પોલીસ અનેક આક્ષેપો કર્યા હતા. ઉપરાંત કહ્યું હતું કે રાજકોટ પોલીસ વ્હાલા દવલાની નિતી અપનાવે છે અને ભાજપના ઈશારે નાચે છે. ઈન્દ્રનીલ રાજગુરુએ પુરાવા સાથે જે હકીકતો રજૂ કરી હતી તે સ્વીકારવાને બદલે પોલીસ તંત્રએ પોતાની કામગીરીની ચોખવટ મીડિયા સમક્ષ કરી છે. આ સંદર્ભે ઈન્દ્રનીલ રાજગુરુએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોંગ્રેસે પ્રજાનો અવાજ રજૂ કર્યો એને પોલીસે તેનો જવાબ આપવાની ફરજ પડી એ લોકશાહીની મોટી તાકાત અને કોંગ્રેસની જીત છે. તેમણે કહ્યું છે કે, લોકોના પ્રશ્નોને વાચા આપવાની ફરજ કોંગ્રેસ કાયમી ધોરણે બજાવશે અને ટૂંક સમયમાં સરકારી તંત્રથી પીડિત લોકો માટે એક હેલ્પલાઈન નંબર પણ જાહેર કરશે.
પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું છે કે, પોલીસે પોતે કરેલી કામગીરીની વિગતો મીડિયાને આપી છે જે તેમની નિષ્ફળતા જ દર્શાવે છે. પોલીસનું કામ ગુના રોકવાનું છે અને તેમાં તે તદ્દન નિષ્ફળ ગઈ છે. રાજકોટમાં હજુ નશીલા પદાર્થો ખુલ્લેઆમ મળે છે સાથોસાથ દારુ પણ જોઈએ તેટલો મળે છે. પોલીસે ઈકોન સેલ તરફ ધ્યાન આપવાની તાતી જરૂર છે કારણ કે લોકો સાયબર ક્રાઈમના શિકાર બને છે અને પોતાના નાણા ગુમાવે છે. આવા લોકોને ન્યાય આપવાની પહેલી ફરજ પોલીસ ખાતાની છે. તેમણે ઉમેર્યું છે કે, કોંગ્રેસે એવો આક્ષેપ પુરાવા સાથે કર્યો હતો કે પોલીસ અરજદારોને રઝળાવે છે. પોલીસ અધિકારીઓએ આ દિશામાં કોઈ નક્કર જવાબ આપ્યો નથી. જો પોલીસે આવા લોકોને શોધીને લાવવાનો પડકાર ફેંક્યો હોત તો પ્રજાના એક સેવક તરીકે આનંદ થાત. પણ ;પોલીસ ફરજ ચુકી છે.
રાજકોટમાં જે આઈ.પી. એસ. અધિકારીઓ છે તે પોતાની ફરજ યોગ્ય રીતે બજાવે અને પ્રજાને ન્યાય મળે તેવા પગલાં લ્યે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં જ રહે.પણ વાસ્તવમાં આવું થતું નથી અને અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે તેમ જણાવતા ઈન્દ્રનીલ રાજગુરુએ કહ્યું છે કે, માત્ર પોલીસ તંત્ર જ નહી પણ કોંગ્રેસ કલેકટર તંત્ર અને મહાપાલિકા તંત્રના પ્રશ્નો પણ ઉઠાવશે અને આ માટે એક હેલ્પલાઈન નંબર જાહેર કરશે.