ન માં દુષ્કૃતિનો મૂઢા: પ્રપદ્યન્તે નરાધમા: II
માયયાપધ્વતજ્ઞાના આસુરં ભાવ માશ્રિતા: II7/15 II
અર્થ : આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે તેવા પાપી, મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી.
ભગવાન એ બાબત પણ સારી રીતે જાણે છે કે જે લોકો માયાના પ્રભાવ હેઠળ આવી ગયા છે, તેનાથી લલચાઇને તેની પાછળ ઘેલા કે દીવાના બની ગયા છે તેવા મનુષ્યો ભગવાનને શરણે આવતા જ નથી. ભગવાન આ બાબત જાણે છે અને એટલે જ તેમણે આવા લોકોને ઊંઘમાંથી જગાડવા આ વાત અહીંયાં મૂકી છે. આપણને સૌને ખબર છે કે કોઇએ આપણને કશુંક કામ બતાવ્યું હોય ને તે આપણે ન કર્યું હોય તો તે વ્યક્તિને તેની ખબર હોય જ છે તેમ છતાં તે વ્યક્તિ આપણને સીધેસીધું કહેવાને બદલે જનરલ સેન્સમાં નિવેદન કરે કે ભાઇ લોકોને વિનંતી કરીએ છીએ તોય કોઇ સાંભળતું નથી, કહેલું કામ કરતું નથી. તો એવા નિવેદનને આપણે પકડી લેવું જોઇએ. આપણે ભગવાનને શરણે નહિ જવાની જે ભૂલ કરી છે તે કબૂલી લેવી જોઇએ અને તેમનું શરણું સ્વીકારી લેવું જોઇએ. વળી, ભગવાને આવા લોકો માટે પાપી, મૂઢ અને નરાધમ એવા શબ્દો પ્રયોજ્યા છે, તેથી આપણે હવે નક્કી કરવાનું છે કે શું આપણે સતત માયાના મોહમાં ડૂબેલા રહી પાપી, મૂઢ કે નરાધમ ગણાવું છે કે પછી પ્રભુજીના શરણે જઈ આત્માનું કલ્યાણ સાધવું છે.
ચતુર્વિદ્યા: ભજન્તે મામ જના: સુકૃતિન: અર્જુન II
આર્ત: જિજ્ઞાસુ: અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ II 7/16 II
અર્થ : હે ભરતશ્રેષ્ઠ અર્જુન, ચાર પ્રકારના પુણ્યશાળી/સદાચારી મનુષ્યો જ મને ભજે છે, દુ:ખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાની.
ભગવાને કહ્યું છે કે સદાચારી મને ભજે છે, તે જ મારી ભક્તિ કરે છે અને તે જ તેમના શરણે આવે છે. તો કોણ છે આ સદાચારી કે પુણ્યશાળી લોકો? દુ:ખી, જિજ્ઞાસુ, ધનની ઇચ્છાવાળા અને જ્ઞાની.
તમે જોજો તમારું જીવન સરસ રીતે ચાલતું હશે, બધું ઇચ્છા મુજબ થયા કરતું હોય, તમને કશી જ તકલીફ આવતી ન હોય ત્યારે ભગવાન યાદ આવશે નહિ. કદાચ તમે રોજના નિયમ મુજબ દીવાબત્તી કે પૂજા-અર્ચન કરતા હશો, પરંતુ તેમાં તમારું ચિત્ત ચોંટતું હશે નહિ, પણ જેવા તમે બીમાર પડો, કશુંક સંકટ આવે, નાણાકીય, સામાજિક કે શારીરિક તકલીફ, ભીડ ઊભી થશે તો તમને તરત જ ભગવાન યાદ આવશે ને તમે તમારી પૂજન-અર્ચન સંબંધી બધી ક્રિયા ખૂબ જ ધીમેથી અને ભાવપૂર્વક પ્રભુને કરગરીને કરવા લાગી જશો. દુ:ખી મનુષ્યો ભગવાનને ભજે છે તે તદ્દન સત્ય છે.
ભગવાન કેવા હશે? તેમણે જગતની રચના શું કામ કરી હશે? ભગવાન કેવી રીતે પ્રગટ્યા હશે? ભગવાનથી ઉપર પણ કોઇ બીજી શક્તિ હશે ખરી? આવા બધા પ્રશ્નો જિજ્ઞાસુ અને બુદ્ધિશાળી લોકોને થતા હોય છે અને તેના નિરાકરણ અર્થે પણ તે લોકો ભક્તિ, ભજન કે ધર્મગ્રંથોનું પઠન કરતા હોય છે.
ધનની ઇચ્છાવાળો તો ભગવાનને ભજવાનો જ છે. એ બીજાને શું કામ ભજશે? ભગવાને ધનની ઇચ્છાવાળો તેમને ભજે છે એમ કહીને કદાચ એ લોકોનો ઉપહાસ કર્યો હોય એમ લાગે છે. આવા સ્વાર્થી મનુષ્યોની અહીં ટીકા થતી હોય તેમ લાગે છે. વ્યક્તિ જો તેના જ્ઞાનનો ઉપયોગ કરી માત્ર તેના પોતાના માટે નહિ, પણ સમગ્ર જગતનાં દુ:ખ દૂર કરવા માટે ઇશ્વરની ભક્તિ કરે તો તે જ શ્રેષ્ઠ છે.