- આરબીઆઈએ બેન્કો તેમજ NBFC માટે પર્સનલ લોનનું રિસ્ક વેઇટેજ 25 ટકા વધાર્યું
- નવા નિયમો ગોલ્ડ લોન કે ગોલ્ડ જ્વેલરી લોનને લાગુ પડશે નહીં
- આરબીઆઈએ અગાઉ બેન્કોને જોખમો ઘટાડવા કહ્યું હતું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બેન્કો તેમજ નોન બેન્કિંગ નાણાં કંપનીઓ માટે પર્સનલ લોનનાં નિયમોમાં ફેરફાર કરીને તેને વધુ કડક બનાવાયા છે. બેન્કો તેમજ NBFC માટે રિસ્ક વેઇટેજમાં 25 ટકાનો વધારો કરાયો છે. આને કારણે પર્સનલ લોન વધુ મોંઘી થઈ શકે છે. જો કે આરબીઆઈનાં આ પગલાંની હાઉસિંગ લોન, વાહન લોન કે શિક્ષણ લોન પર અસર પડશે નહીં. નવા નિયમો ગોલ્ડ લોન કે ગોલ્ડ જ્વેલરી લોનને પણ લાગુ પડશે નહીં. તેમાં 100 ટકા રિક્સ વેઇટેજ ચાલુ રહેશે. આરબીઆઈ દ્વારા જ્યારે રિસ્ક વેઇટેજ વધારવામાં આવે છે ત્યારે અનસિક્યોર્ડ લોન માટે બેન્કોએ બફર તરીકે વધુ પૈસા અલગ રાખવા પડે છે. બેન્કોની ઉધાર આપવાની ક્ષમતા આને કારણે ઘટે છે.
આરબીઆઈનાં ગવર્નર દ્વારા થોડા સમય પહેલાં જ ગ્રાહકોલક્ષી લોનમાં જોખમો ઘટાડવા બેન્કો તેમજ NBFC ને કહેવામાં આવ્યું હતું. બેન્કોને તેની આંતરિક દેખરેખ સિસ્ટમ વધુ સંગીન અને મજબૂત કરવા કહેવામાં આવ્યું હતું. લોનની સુરક્ષા માટે યોગ્ય સિસ્ટમ ઊભી કરવા આદેશ આપવામાં આવ્યો હતો. આરબીઆઈએ તેનાં રિપોર્ટમાં કહ્યું હતું કે બેન્કો તેમજ NBFC દ્વારા ગ્રાહકલક્ષી અનસિક્યોર્ડ લોન માટે જોખમોનું પ્રમાણ 25 ટકા વધારીને 125 ટકા કરવામાં આવ્યું છે. તેમજ ક્રેડિટની પ્રાપ્તિ તેમજ જોખમોની ટકાવારી પણ 25 ટકા વધારીને અનુક્રમે 150 ટકા અને 125 ટકા કરી છે.
મોંઘવારી ઘટી પણ પડકારો ઓછા થયા નથી
આરબીઆઈએ તેનાં રિપોર્ટમાં જણાવ્યું છે કે આરબીઆઈ દ્વારા ધિરાણ નીતિમાં સુધારા કરવાથી મોંઘવારીમાં થોડોઘણો ઘટાડો થયો છે. પણ ઇકોનોમી સામેનાં પડકારો હજી ઓછા થયા નથી. હજી લાંબી સફર કાપવાની છે. ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર ક્ષેત્રે ધીમા વિકાસને કારણે ઇકોનોમીનો આર્થિક વિકાસ દર ચાલુ ત્રિમાસિક ગાળામાં ધીમો રહેવાની ધારણા છે.
હાયર રિસ્ક વેઈટેજ શું છે ?
હાયર રિસ્ક વેઈટેજનો અર્થ એ છે કે જ્યારે અસુરક્ષિત મનાતી લોનની વાત આવે ત્યારે પર્સનલ લોન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. આ માટે બેન્કોએ અલગથી વધુ રકમ ફાળવવી પડશે. બીજા શબ્દોમાં કહીએ તો બેન્કોની લોન આપવાની ક્ષમતા સીમિત કરવામાં આવશે. રિઝર્વ બેન્ક દ્વારા અગાઉ પણ બેન્કો અને એનબીએફસીને તેમની ઈન્ટરનલ સર્વેલન્સ સિસ્ટમ વધુ મજબૂત કરવા જણાવાયું હતું. વધતા જોખમો સામે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત પગલાં ભરવાની સલાહ પણ આપવામાં આવી હતી.