પેટ ફ્રેન્ડલી કેક પ્રાણીઓ માટે ફાયદાકારક વસ્તુનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.
ફ્રુટ,વેજીટેબલ, પીનટ બટર, કર્ડ વેજીટેબલ સ્ટોક, મધ વગેરેનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે હેલ્ધી કેક
વર્તમાન સમયમાં લોકો ખુશીનો પ્રસંગ કેક કાપીને ઉજવે છે. બાળકોનો બર્થ ડે હોય કે પછી વેડિંગ એનિવર્સરી હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય, કેક કાપવાનો ટ્રેન્ડ એવર ગ્રીન છે. લોકો પોતાની મનપસંદ કેક, ઓર્ડર આપી બનાવડાવે છે. આ રીતે ઓર્ડર લઈને કેક બનાવતા હેમાબેન ગઢીયાને વિચાર આવ્યો કે માણસ માટે કેક બને છે તો પાલતુ પ્રાણી માટે કેક શા માટે ન બનાવી શકાય? આજે ઘણા લોકો પેટ લવર્સ છે પોતાના ઘરમાં રાખેલા ડોગની પરિવારના સભ્યની જેમ કાળજી લે છે એ લોકો માટે ખુશીના સમાચાર એ છે કે હવે તેઓ પોતાના પેટ માટે પણ ખાસ પ્રકારની કેક બનાવડાવી શક્શે.
રાજકોટમાં પ્રથમ વખત હેમાબેન ગઢીયાએ આ પ્રકારની કેક બનાવી છે.તેઓ ટોકન દરે કુકિંગ ક્લાસ ચલાવે છે, તેમજ અન્ય સેવાકીય પ્રવૃત્તિ કરે છે.બીજાને મદદ કરવા તેઓ હંમેશા તત્પર હોય છે.ખૂબ જ નજીવી રકમ લઈને તેઓ કેક,ચોકલેટ,કૂકીઝ વગેરે શીખવે છે જેથી બહેનો તેના ઓર્ડર લઈ પગભર થઈ શકે.તેઓ પોતાના ઘરની આસપાસ શેરીમાં પ્રાણીઓનું પણ ખૂબ ધ્યાન રાખે છે. શેરીમાં કૂતરાને દૂધ, રોટલી,બિસ્કીટ નાખે છે પાણી પીવડાવે છે. તેઓને વિચાર આવ્યો કે જો માણસ કેક ખાય શકે છે તો આ પાલતુ પ્રાણી શા માટે કેક ન ખાઈ શકે? આમ તેઓએ ખાસ પેટ ફ્રેન્ડલી કેક બનાવી.પોતાના આ ઈનોવેટિવ આઈડિયા બાબત હેમાબેન જણાવે છે કે સામાન્ય કેક અને પેટ ફ્રેન્ડલી કેક અલગ હોય છે. ડોગ અને અન્ય પ્રાણીઓ માટે સાજી,સોડા,બેકિંગ પાઉડર, મેંદો નુકસાનકારક છે તેથી કેકમાં તેનો ઉપયોગ કરી શકાતો નથી. મોટાભાગે પીનટ બટર, કર્ડ,ઓટ્સ,બદામ પાવડર,વેજીટેબલ, ફ્રુટ,વેજીટેબલ સ્ટોક મધ વગેરેનો ઉપયોગ કરીને તેઓ કેક બનાવે છે ઘણી વખત કોઈ વ્યક્તિને પોતાના ડોગ માટે ખાસ અમુક વસ્તુ નાખીને કેક બનાવવી હોય તો તે પણ બનાવી શકાય છે. આ કેક 200 રૂપિયાથી શરૂ કરીને 500 સુધીની મળી શકે છે આ કેકમાં અન્ય એવી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી જે પેટ માટે નુકસાનકારક હોય તેથી દરેક લોકોને પોસાય એવી કિંમતમાં આ કેક બની જાય છે.
પેટ ફ્રેન્ડલી કેકનો ઓર્ડર આપનાર માનસી બેન જણાવે છે કે ખાસ ડોગ માટેની કેકનો વિચાર જ ખૂબ અલગ છે.પેટ માટે ખાસ કેક બનાવવાનો વિચાર પેટ લવર હોય તેને જ આવી શકે.આ કેક ડોગ માટે ખૂબ હેલધી છે અને ટેસ્ટમાં પણ સરસ છે.ડોગ માટે જે વસ્તુ ફાયદાકારક છે તે બધાનો ઉપયોગ કરીને કેક બનાવવામાં આવે છે તે ખૂબ સારી બાબત છે.ડોગ માટેની કેક દેખાવમાં સુંદર અને સ્વાદમાં પણ સરસ હોય છે.