- નવરંગપુરા પોલીસે ચીટિંગના ગુનામાં અટકાયત કર્યા બાદ મોત
- પત્નીની અરજી બાદ હાઈકોર્ટે તપાસનો રિપોર્ટ મંગાવ્યો
- રિટ અરજીની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે રાજય સરકાર અને પોલીસને નોટિસ જારી કરી હતી
નવરંગપુરા પોલીસ દ્વારા ચીટિંગના કેસમાં અટક કરાયેલા પોતાના પતિનું પોલીસ ટોર્ચરના કારણે કસ્ટડીમાં મોત થયુ હોવાના આક્ષેપો કરતી અરજદાર પત્નીએ ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરેલી રિટ અરજીની પ્રાથમિક સુનાવણી બાદ કોર્ટે રાજય સરકાર અને પોલીસને નોટિસ જારી કરી હતી. વધુમાં, હાઇકોર્ટે કેસની તપાસના કાગળો અને અત્યાર સુધીમાં શું તપાસ થઇ છે તેનો રિપોર્ટ મંગાવ્યો હતો.
અરજદાર પત્ની દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીમાં એ મતલબની આક્ષેપભરી રજૂઆત કરાઇ હતી કે, અરજદારના પતિ દિપક સોમાભાઇ પંચાલની ચીટિંગના એક કેસમાં તા.1-1-2024ના રોજ નવરંગપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ ક્સ્ટડીમાં જ તેમના પતિની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં તા.4-1-2024ના રોજ તેમનું કરૂણ મોત નીપજયુ હતું.
અરજદારપક્ષ તરફ્થી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે, નવરંગપુરા પોલીસની કસ્ટડીમાં પોલીસ દ્વારા તેમના પતિ પર કસ્ટોડિયલ ટોર્ચર અને ત્રાસ ગુજારવામાં આવ્યો છે અને તેના કારણે જ તેમનું મોત થયુ છે. આ સમગ્ર મામલામાં યોગ્ય અને તટસ્થ તપાસ થવી ખૂબ જરૂરી છે. અરજદારે આ કેસમાં નવરંગપુરા પોલીસ, શહેર પોલીસ કમિશનર સહિતના સબંધિત સત્તાવાળાઓને કસ્ટોડિયલ ટોર્ચરના આ કેસમાં તાત્કાલિક એફ્આઇઆર દાખલ કરાવવા, યોગ્ય તપાસ કરાવવા અને જે કોઇ કસૂરવાર પોલીસ અધિકારીઓ-કર્મચારીઓ જવાબદાર હોય તેમની સામે પગલાં લેવા રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી કોઇ કાર્યવાહી નહી થતાં અરજદારને હાઇકોર્ટમાં રિટ અરજી કરવાની ફરજ પડી છે.
અરજદારપક્ષ તરફ્થી આ કેસમાં નવરંગપુરા પોલીસના અધિકારીઓ જ સંડોવાયેલા હોઇ કેસની તપાસ નવરંગપુરા પોલીસને બદલે સીટની રચના કરી કોઇ ઉચ્ચ પોલીસ અધિકારી મારફ્તે ન્યાયિક તપાસ કરાવવા પણ દાદ માંગવામાં આવી હતી.


