ફૂડ ઓઇલના સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો માસ્ટર સ્ટોક
પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો
સરકારના નિર્ણયથી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ફાયદો થવાની અપેક્ષા : વાહનોના ભાડામાં રાહત મળશે
પેટ્રોલમાં રૂ.૧૦નો ઘટાડો, ડિઝલમાં એકસાઇટ ડયુટી સંપૂર્ણ પણે નાબૂદ : ફયુઅલ એકસપોર્ટ પરના નિયમો વધુ કડક બનાવાયા
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
ક્રૂડ ઓઇલ સંકટ વચ્ચે, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે, જેનાથી તેલ કંપનીઓ અને સામાન્ય લોકોને રાહત મળી છે. સમાચાર એજન્સીઓ અનુસાર, પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી, જે 13 રૂપિયા પ્રતિ લિટર હતી, તે હવે 10 રૂપિયા ઘટાડીને 3 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે, ડીઝલ પર આ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લિટર હતી, જેને હવે સંપૂર્ણપણે નાબૂદ એટલે કે શૂન્ય કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી તેલ કંપનીઓના માર્જિનમાં સુધારો થવાની અપેક્ષા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમત વધતી અટકાવવા માટે સરકારે આ પગલું ભર્યું છે.
ડીઝલના ભાવ ઘટવાથી પરિવહન અને લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થવાની અપેક્ષા છે. આનાથી ખાદ્ય ચીજવસ્તુઓ, શાકભાજી, દૈનિક જરૂરિયાતો અને ભાડાને પણ ફાયદો થઈ શકે છે. સરકાર માને છે કે આ પગલાથી મોંઘવારીને કાબુમાં કરવામાં મદદ મળશે.
વૈશ્વિક બજારમાં તેલના ભાવ વધવા છતાં ઘરેલું બજારમાં કિંમતો સ્થિર રાખવા માટે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં ધરખમ ઘટાડો કરવાની જાહેરાત કરી છે. ૨૭ માર્ચ ૨૦૨૬થી અમલમાં આવેલા આ નિર્ણય મુજબ, પેટ્રોલ પરની ડ્યુટી ઘટાડીને માત્ર ૩ રૂપિયા પ્રતિ લિટર કરી દેવામાં આવી છે. તેનાથી પણ વધુ આશ્ચર્યજનક અને રાહતજનક સમાચાર એ છે કે સરકારે ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે.
ડીઝલ એ ભારતની પરિવહન વ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રની કરોડરજ્જુ છે. તેના પરની ડ્યુટી હટાવવાથી ટ્રક ટ્રાન્સપોર્ટ અને ખેતીના ખર્ચમાં ઘટાડો થશે, જે આડકતરી રીતે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા અટકાવશે. સરકારનો આ મુખ્ય ઉદ્દેશ્ય ‘પબ્લિક પેનિક’ એટલે કે જનતામાં ફેલાતા ડરને રોકવાનો અને તેલ માર્કેટિંગ કંપનીઓને સપોર્ટ કરવાનો છે, જેથી તેઓ આંતરરાષ્ટ્રીય દબાણ હેઠળ હોવા છતાં સ્થાનિક સ્તરે તેલ પુરવઠો ચાલુ રાખી શકે.
માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પણ ઉડ્ડયન ક્ષેત્ર માટે પણ નાણાં મંત્રાલયે મહત્વના ફેરફારો કર્યા છે. એવિએશન ટર્બાઇન ફ્યુઅલ એટલે કે વિમાનના ઈંધણ માટે એક નવું ટેક્સ ફ્રેમવર્ક રજૂ કરવામાં આવ્યું છે, જેથી હવાઈ મુસાફરીના દરોમાં પણ અચાનક મોટો ઉછાળો ન આવે. આ સાથે જ સરકારે દેશમાં ઈંધણનો જથ્થો જળવાઈ રહે તે માટે ફ્યુઅલ એક્સપોર્ટ (તેલની નિકાસ) પરના નિયમો વધુ કડક બનાવ્યા છે.
જોકે, આ કડક નિયમોમાં ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ’ (પડોશી પ્રથમ) નીતિની ઝલક જોવા મળે છે. નેપાળ અને શ્રીલંકા જેવા પડોશી દેશોને કરવામાં આવતા તેલના પુરવઠાને આ નવા નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. ભારત આ મુશ્કેલ સમયમાં પણ તેના પડોશી દેશો પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે, જે દક્ષિણ એશિયામાં તેની રાજદ્વારી મજબૂતી દર્શાવે છે.
આગામી સમયમાં યુદ્ધ કેટલું ખેંચાય છે અને ક્રૂડ ઓઈલની સપ્લાય ક્યારે સામાન્ય થાય છે, તેના પર ભારતની ભવિષ્યની ટેક્સ નીતિઓનો આધાર રહેશે. અત્યારે તો એટલું ચોક્કસ છે કે, સરકારના આ પગલાથી ભારતીય ગ્રાહકોને પેટ્રોલ પંપ પર મોટી રાહત મળી છે.
રાષ્ટ્રીય બજેટ પર બોઝ વધશે? નિષ્ણાંતો
જોકે, સરકારના આ ‘માસ્ટરસ્ટ્રોક’ની બીજી બાજુ પણ છે. અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના મતે, પેટ્રોલ-ડીઝલ પરની ટેક્સમાં આટલી મોટી છૂટછાટ આપવાથી રાષ્ટ્રીય બજેટ પર મોટો ફટકો પડશે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ નિર્ણયથી સરકારને વાર્ષિક ૮૦,૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુની આવકનું નુકસાન થશે. આ રકમ દેશના વિકાસલક્ષી કાર્યો અને અન્ય યોજનાઓ માટે ખૂબ મહત્વની હતી.
પરંતુ, યુદ્ધ જેવી અનિશ્ચિત પરિસ્થિતિમાં સરકાર પાસે જનતાને બચાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. જો તેલના ભાવ વધવા દીધા હોત, તો ફુગાવો બેકાબૂ બની ગયો હોત. અત્યારે સરકારની પ્રાથમિકતા દેશમાં આર્થિક સ્થિરતા જાળવી રાખવાની છે. મધ્ય પૂર્વની ભૌગોલિક રાજકીય અસ્થિરતા ભારત માટે એક મોટી કસોટી સમાન છે, અને આ વ્યૂહાત્મક આર્થિક પ્રતિસાદ દ્વારા ભારતે વિશ્વને બતાવ્યું છે કે તે તેની ઉર્જા સુરક્ષા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.
શું છે એક્સાઇઝ ડ્યુટી?
આ એક પ્રકારનો ઈનડાયરેક્ટ ટેક્સ છે જે સામાનના ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરિંગ પર લગાવવામાં આવે છે. આ ટેક્સ કેન્દ્ર સરકાર વસૂલે છે. આનાથી સામાનની કિંમત વધી જાય છે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી અને રાજ્ય સરકારો VAT લગાવે છે. પરંતુ હવે સરકારે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે.
ભારત પાસે બે મહિનાનો જથ્થો ઉપલબ્ધ
બીજી તરફ, સરકારે આજે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓને નકારી કાઢી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે દુનિયામાં ગમે તે થાય, ભારત પાસે 60 દિવસનું પેટ્રોલ, ડીઝલ છે.


