- 2021માં વધારો થયો હતો, બે લાખ વિદ્યાર્થીઓને રાહત
- પીજી ડેન્ટલ-MDSની નીટ 18મી માર્ચે, 19મી સુધી રજિસ્ટ્રેશન
- 19મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને 13મી માર્ચે એડમિટ કાર્ડ જાહેર થશે
મેડિકલ અને ડેન્ટલ પ્રવેશ માટેની નીટ પરીક્ષા ફીમાં પ્રથમ વખત 18 થી 22 ટકા જેટલો ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. જેના પગલે નીટ પરીક્ષા આપનારા દોઢથી બે લાખ જેટલા ઉમેદવારોને મોટી રાહત થશે. જ્યારે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા પીજી ડેન્ટલ માટેની નીટની તારીખો જાહેર કરી દેવાઈ છે. જે મુજબ નીટ-એમડીએસ 18મી માર્ચના રોજ લેવાશે.
દર વર્ષે પીજી મેડિકલ અને પીજી ડેન્ટલ પ્રવેશ માટેની નીટનું આયોજન નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા કરવામાં આવે છે. જ્યારે મોટા ભાગની રાષ્ટ્રીય પરીક્ષાઓની ફીમાં દર વર્ષે 10 ટકા જેટલો ફી વધારો કરવામાં આવે છે. ત્યારે નેશનલ પરીક્ષા બોર્ડે પીજીની બંને નીટ પરીક્ષાની ફીમાં 20 થી 25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે પીજી મેડિકલ પ્રવેશ માટેની નીટમાં જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ કેટેગરી માટેની તેમજ દિવ્યાંગો અને એસસી-એસટી કેટેગરી માટેની ફીમાં રૂ.750નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી હવે પીજી નીટમાં જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ માટેની ફી રૂ.4,250ના બદલે રૂ.3,500 અને એસસી, એસટી તથા પડબલ્યુડી માટેની ફી રૂ.3,250ના બદલે રૂ.2,500 રહેશે.
જ્યારે પીજી ડેન્ટલ નીટ (એમડીએસ)માં પણ જનરલ, ઓબીસી અને ઈડબલ્યુસ માટે રૂ.3,500 તથા એસસી, એસટી તથા પીડબલ્યુડી કેટેગરી માટે રૂ.2,500 ફી રહેશે. આમ ફીમાં 18 થી 22 ટકાનો મોટો ઘટાડોય કરાયો છે. પીજી નીટની ફી રૂ.2,013 થી રૂ.3,750 હતી તે 2021માં વધારીને રૂ.4,250 કરાઈ હતી. પરંતુ હવે આટલો મોટો ઘટાડો થતા મેડિકલ અને ડેન્ટલ માટેની નીટ આપતા દોઢથી બે લાખ વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. નેશનલ બોર્ડે પીજી ડેન્ટલ પ્રવેશ માટેની નીટ જાહેર કરી દીધી છે. જે મુજબ 18મી માર્ચે પરીક્ષા લેવાશે. 19મી ફેબ્રુઆરી સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે અને 13મી માર્ચે એડમિટ કાર્ડ જાહેર થશે. 18મી એપ્રિલ સુધીમાં રિઝલ્ટ જાહેર થશે.


