સ્ટોલના ફોર્મ વિતરણના હજૂ કોઈ ઠેકાણા નહી, ભાવ પણ નક્કિ કરાયા નથી
ગેમઝોન દુર્ઘટનાને પગલે જિલ્લા વહીવટી તંત્ર હવે કોઈ રિસ્ક લેવા માગતું ન હોય તેમ એક જગ્યાએ વધુ જનમેદની એકત્ર થવાની હોય ત્યાં વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી મહિનામાં રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર જન્માષ્ટમીના મેળામાં અંડર ગ્રાઉન્ડ કેબલ બીછાવાશે. બીજી તરફ મેળાની તૈયારી બે મહિના અગાઉ કરવામાં આવતી હોય છે. પરતું તંત્ર ચૂંટણી અને દુર્ઘટનામાં વ્યસ્ત બની ગયું હોવાથી મેળાની કામગીરી ધીમી થતી હોવાથી છેલ્લી ઘડીએ અફરાતફરી થવાના અણસાર મળી રહ્યા છે.
પીજીવીસીએલના સૂત્રોએ જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં મોટા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શોર્ટ સર્કિટ અને આગના બનાવો ન બને તે માટે ફુલપ્રુફ વ્યવસ્થા કરવામાં આવી છે.હંગામી ધોરણે ટ્રાન્સફોર્મર લગાવવામાં આવતા હતા. થોડા સમય પહેલા જ વડાપ્રધાનની જાહેર સભા યોજવામાં આવી હતી. આ દરમિયાન ૨૧ ટ્રાન્સફોર્મર કાયમી ધોરણે લગાવી દેવામાં આવ્યા છે. લોકમેળામાં ૩૭૨ સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે.પરંતુ આ વખતે કલાઉડ મેનેજમેન્ટના નામે સ્ટોલની સંખ્યા ઘટાડવામાં આવનાર છે. આથી યાંત્રિક અને રમકડાના ૭૦ જેટલા સ્ટોલમાં કાપ મુકવામાં આવનાર છે. વીજ કંપની દ્વારા સ્ટોલ સુધી અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે. જેથી કરીને કોઈ દુર્ઘટનાને અવકાશ રહે નહીં. લોકમેળાના સ્ટોલ-પ્લોટના ભાવ તંત્ર દ્વારા બીજી મીટીંગમાં નક્કિમાં આવનાર છે. આગોતરા આયોજનના અભાવે પ્લોટ અને સ્ટોલના ફોર્મ વિતરણમાં મોડું થશે. કારણ કે, ફોર્મમાં સ્ટોલ-પ્લોટમાં ભાડા દર્શાવાતા હોવાથી તંત્ર પણ અવઢવમાં મુકાયું છે.