- નડિયાદમાં 30-40 પશુઓના જાહેરમાં કંકાલના ફોટોગ્રાફ્સનો મુદ્દો
- રખડતાં ઢોરના ત્રાસ મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશનમાં સોગંદનામું દાખલ કર્યું
- મૃત પશુઓના સમયસર નિકાલ માટે સૂચના જારી કરાઇ
રખડતા ઢોરોના ત્રાસ સહિતના વિવિધ મુદ્દા પરની કન્ટેમ્પ્ટ પિટિશનમાં નડિયાદમાં 30થી 40 મૃત પશુઓના જાહેરમાં કંકાલ મળી આવવાના મામલે ગુજરાત હાઇકોર્ટની નારાજગી બાદ નડિયાદ નગરપાલિકા તરફ્થી એફિડેવિટ રજૂ કરવામાં આવી હતી અને બચાવ કરાયો છે કે, જે મૃત પશુઓના કંકાલના ફોટા છે તે જૂના છે અને ઓથોરિટી દ્વારા રાખવામાં આવેલા ઢોરવાડા કે અન્ય કોઇ ઢોરવાડાના નથી. તેમછતાં મૃત પશુઓના સમયસર નિકાલ માટેની જરૂરી સૂચનાઓ આપી દેવાઇ છે.
રખડતો ઢોરોના ત્રાસ, બિસ્માર રસ્તાઓ, ટ્રાફ્કિ સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં નડિયાદ નગરપાલિકા તરફ્થી હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરી જણાવાયું હતું કે, નડિયાદ નગરપાલિકા દ્વારા સલૂન બજાર, અમદાવાદી બજાર અને કમલા પમ્પિંગ સ્ટેશન નડિયાદ ખાતેના ઢોરવાડા મળી કુલ 300 પશુઓ રાખી શકવાની ક્ષમતા છે. જેમાં સમયતાંતરે ચીફ્ ઓફ્સિર દ્વારા મુલાકાત લેવાય છે અને ઢોરવાડામાં ઘાસચારાની ગુણવત્તા, ઢોરોની રખાતી કાળજી, સ્વચ્છતા સહિતની બાબતોનું નીરીક્ષણ કરાય છે. નડિયાદના કમલાબાગ ગામ પાસે છેવાડાના વિસ્તારમાં કચરા અને અન્ય નિકાલનો ડમ્પિંગ એરિયા નક્કી કરાયો છે, ત્યાં મૃત પશુઓના કંકાલનો નિકાલ પણ કરાતો હોય છે. ખેડા એનીમલ હસબન્ડરી ટીમના અધિકારીઓએ પણ સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં પણ ગાય, ભેંસ, ગધેડા સહિતના પશુઓના મૃતહેદ જે મળી આવ્યા હતા તે 20થી 22 દિવસ જૂના જણાયા છે. જો કે, નડિયાદ નગરપાલિકાના ચીફ્ સેનેટરી ઇન્સ્પેકટર દ્વારા સમયસર આવા કંકાલો અને મૃત પશુઓના સમયસર નિકાલ માટે સૂચના જારી કરાઇ છે. આમ, જે મૃત પશુઓના કંકાલ
મળ્યા છે તે ઢોરવાડાના કે સત્તાવાળાઓ દ્વારા રાખવામાં આવેલા કોઇ જગ્યાના નથી.


