સપ્ત સંગીતમાં સંગીતની સીમાઓને ઓળંગતી સંવેદનાત્મક યાત્રા બની
અગ્ર ગુજરાત, રાજકોટ
સપ્તસંગીતિની સંગીતયાત્રાનો પાંચમો દિવસ યુવા કલાકારોની સર્જનાત્મક ઊર્જા અને વિચારસભર પ્રસ્તુતિથી વિશેષ યાદગાર બન્યો હતો. પરંપરાગત શાસ્ત્રીય સંવેદના સાથે આધુનિક દૃષ્ટિકોણ અને સંશોધનાત્મક અભિગમનો સુભગ સમન્વય મંચ પરથી સ્પષ્ટ અનુભવો મળતો હતો. યુવા કલાકારોએ પોતાની કલાને માત્ર પ્રસ્તુત ન રાખી, પરંતુ તેને નવો આયામ આપવાનો પ્રયાસ કર્યો હતો. કાર્યક્રમના પાંચમાં દિવસના પેટ્રન એચ. જે. ઇન્ડિયા પ્રા. લિ હતા તથા શુભેચ્છક સ્થાને ડો. હર્ષા અને ડો. દેવેન્દ્ર દેકીવાડીયા રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ટ્રોથ ઇન્સ્યોરન્સનાં ઉમેશભાઈ દોશી સહિતના મહાનુભાના હસ્તે દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રથમ ચરણમાં અભિષેક વ્યાસની મકરંદિકા વિણા પરની પ્રસ્તુતિ ભારતીય ગિટારવાદનની સંસ્કારિત અને આધુનિક અભિવ્યક્તિ તરીકે ખાસ નોંધપાત્ર રહી હતી. અભિષેક વ્યાસના સંશોધન અને રચનાત્મક દૃષ્ટિથી વિકસિત થયેલી આ મકરંદિકા વિણા, પરંપરાગત વિણાની આત્માને જાળવી રાખતી હોવા છતાં, ગિટારના તારવાદન જેવી સુગમતા અને અભિવ્યક્તિ ધરાવે છે. તેમની આંગળીઓના સ્પર્શથી ગિટાર ભારતીય રાગાત્મક ભાષા બોલતી હોય એમ લાગતું હતું. તેમની સાથે નિશાંત શર્માનું તબલાવાદન આ પ્રસ્તુતિને સુંદર આધાર આપતું હતું. અભિષેક વ્યાસનું ગિટારવાદન પરંપરા અને સંશોધન વચ્ચેનું એક સુભગ સંવાદ બની રહ્યું હતું. મકરંદિકા વિણાની ગિટારવાદનની શૈલીમાં થયેલી રજૂઆતએ ભારતીય તારવાદ્યોની પરંપરામાં એક નવું અધ્યાય ઉમેર્યું હતું. અભિષેક વ્યાસે રાગ પુરિયા કલ્યાણ આલાપ- જોડ – જાલા સાથે વિલંબિત અને દ્રુતલયમાં રજુ કર્યો હતો.
કાર્યક્રમના બીજા ચરણ માં પિયાનો, વાયોલિન અને તબલાના ત્રિવેણી સંગમથી રચાયેલું ગ્રુપ “રસિયા” જ્યારે રાજકોટના આંગણામાં તેઓની પ્રથમ પ્રસ્તુતી સાથે મંચ પર અવતરીતું થયું, ત્યારે સંગીત માત્ર સાંભળવાની અનુભૂતિ નહીં પણ એક જીવંત સંવાદ બની ગયું. શુભેન્દુ રાવ અને સાસકિયા રાવના સુપુત્ર ઈશાન રાવના પિયાનોવાદન માં પશ્ચિમના સ્વરો ભારતીય સંવેદનામાં ઓળઘોળ થતા હોય તેવું લાગતું હતું. ઈશાન રાઓ એ સન્મુખપ્રિયા રાગ માં પિયાનોનું સોલો પિયાનો વગાડ્યું હતું. પિયાનોની સુક્ષ્મ કીબોર્ડ પર તેમની આંગળીઓમાંથી વહેતી ધ્વનિમાં સંયમ, કલ્પનાશીલતા અને આંતરિક ભાવની પ્રગાઢ છાપ સ્પષ્ટ અનુભવાતી હતી. રસિયા ગ્રુપના કલાકારો એ પ્રખર તબલાવાદક પં. ઝાકીર હુસૈનજી ને શક્તિ આલ્બમની રચના શ્રદ્ધાસુમન રૂપે અર્પણ કરી હતી. સૌદાદ, હારવેસ્ટ અને રિઓ જેવી રચનાઓ પેશ કરી શ્રોતાઓને આફરીન કરી દીધા હતા. વીસ થી ચોવીસ વર્ષની ઉંમરના ગ્રુપ “રસિયા”ની આ પ્રસ્તુતિ સંગીતની સીમાઓને ઓળંગતી એક સંવેદનાત્મક યાત્રા બની. અલગ સંસ્કૃતિઓ અને પરંપરાઓના વાદ્યો એક જ મંચ પર સંવાદ કરતા હતા, જ્યાં ભાષા નહીં, ભાવ બોલતો હતો. સમગ્ર સંગીતસભા દરમ્યાન આ યુવા કલાકારોની પ્રસ્તુતિમાં આત્મવિશ્વાસ, તકનીકી પરીપક્વતા અને સંગીત પ્રત્યેની ગંભીર સમજ સ્પષ્ટ દેખાતી હતી. તેમની કલાપ્રસ્તુતિએ સાબિત કર્યું કે પરંપરા અને આધુનિકતા વચ્ચે સંવાદ શક્ય છે જે સંગીતને વધુ સમૃદ્ધ બનાવે છે. સપ્તસંગીતિના પાંચમા દિવસનો આ સંગીતાનુભવ શ્રોતાઓના મનમાં લાંબા સમય સુધી સુવાસિત રહી જશે, તેવો ભાવ સૌ શ્રોતાગણના ચહેરા પર ઝળહળી ઊઠ્યો હતો.


