- પોલીસને કેતન તેની ભાણીના લગ્નમાં આવ્યાની બાતમી મળી હતી
- છેલ્લા એક વર્ષથી આરોપી પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો
- પોલીસે અમેરિકા જવા માંગતા લોકોના અસલી-નકલી પાસપોર્ટ પણ પોલીસે કબ્જે કર્યા
કબૂતરબાજીના રેકેડ સાથે સંકળાયેલા ભરત ઉર્ફ બોબી રામભાઈ પટેલના સાગરિત કેતન ઉર્ફ કે.પી.ને વિસનગરના કાંસા ગામેથી બુધવારે ઝડપ્યો હતો. પોલીસને કેતન તેની ભાણીના લગ્નમાં આવ્યાની બાતમી મળી હતી. બનાવની વિગત મુજબ કબૂતરબાજીના રેકેટમાં મોનિટરીંગ સેલએ ભરત ઉર્ફ બોબી સહિત પાંચ આરોપીઓને ઝડપી ફેક પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ કબ્જે લઈ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. આ ગુનામાં કેતન ઉર્ફ કેયુર ઉર્ફ કે.પી.ઉર્ફ મનીષ બાબુલાલ પટેલ (રહે, ઘાસવાળા ટાવર, ગ્રાન્ટ રોડ, મુંબઈ)ની સંડોવણી ખુલી હતી. છેલ્લા એક વર્ષથી આરોપી પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો.
ભરત ઉર્ફ બોબી સહિતના આરોપીઓ વિદેશ જવા માંગતા લોકોની ઓળખ બદલી તેઓના ફેક ડોક્યુમેન્ટ આધારે બોગસ પાસપોર્ટ તૈયાર કરી યુરોપના જૂદા જૂદા દેશના વિઝા મેળવી તેઓને મેકસીકો બોર્ડરથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડતા હોવાની વિગતો સ્ટેટ મોનિટરીંગ સેલની તપાસમાં ખુલી હતી. આ મામલે પોલીસે અમેરિકા જવા માંગતા લોકોના અસલી-નકલી પાસપોર્ટ પણ પોલીસે કબ્જે કર્યા હતા. આ અંગે બોબી સહિતના આરોપીઓ વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ પાંચ આરોપીને ઝડપી લીધા બાદ કેતન ઉર્ફ કે.પી. પટેલનું નામ બહાર આવ્યું હતું. જો કે, છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી કેતન તેની ભાણી લગ્નમાં કાંસા ખાતે આવતા સ્ટેટ મોનિટરીંગ સેલએ ઓપરેશન પાર પાડી ઝડપી લીધો હતો. કેતનને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા તેના વિરૂદ્ધ કોર્ટમાંથી 70 મુજબનું વોરંટ પણ ઈસ્યુ કરાવ્યું હોવાનું તેમજ આરોપી અંગે બાતમી આપનારને તત્કાળ અસરથી રૂ.25 હજારનું ઈનામ આપવું તેવી જાહેરાત પણ કરાઈ હતી. પોલીસે કેતન પાસેથી એક મોબાઈલ ફોન, રોક્ડ રકમ, આધાર કાર્ડ, આઈસીઆઈસીઆઈ બેંકની પાંચ ડીપોઝીટ સ્લીપ વગેરે મળીને કુલ રૂ.32030ની મત્તાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ કેસમાં પકડાયેલા ભરત સહિતના પાંચ આરોપીઓ જ્યુડીશીયલ કસ્ટડીમાં હોવાનું અને તમામ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ થઈ ગયાની વિગતો મળી છે.


