પીયૂષ ચાવલાએ ક્રિકેટ જગતમાંથી નિવૃતિ જાહેર કરી દીધી છે. ગયા વર્ષે તેઓ મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમ્યા હતા. પિયુષ ચાવલાએ આ વર્ષે પણ IPL 2025 માટે તેમનું નામ મેગા ઓક્શનમાં આપ્યું હતું, પરંતુ સંજોગો વસાત તેઓને કોઈ પણ ટીમે ખરીદ્યા ન હતા. IPL માંથી બહાર થતાંની સાથેજ ક્રિકેટ જગતમાં ગણગણાટ ચાલુ થઈ ગયો હતો, કે પિયુષ ચાવલા ગમે ત્યારે ક્રિકેટ જગતને અલવિદા કહી શકે છે.
ક્રિકેટ કરિયરની શરૂઆત
પીયૂષ ચાવલાએ ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 9 માર્ચ 2006ના રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ કરી હતી, અને અંતિમ ટેસ્ટ 13 ડિસેમ્બર 2012 ઈંગ્લેન્ડ સામેજ રમી હતી. એક દિવસીય ક્રિકેટની શરૂઆત પીયૂષ ચાવલાએ બાંગ્લાદેશ સામે 12 મે 2007ના રોજ કરી હતી , અને અંતિમ વનડે મેચ 9 માર્ચ 2011 નેધરલેન્ડ સામે રમી હતી. પીયૂષ ચાવલાએ ટી20 ક્રિકેટની શરૂઆત 2 મે 2010ના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરી હતી, અને અંતિમ ટી20 મેચ 22 ડિસેમ્બર 2012 ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમી હતી.
કેવું રહ્યું ક્રિકેટ કરિયર
પીયૂષ ચાવલાની ક્રિકેટ યાત્રાની વાત કરીએ તો 36 વર્ષીય પીયૂષ ચાવલા છેલ્લે ડિસેમ્બર 2012માં ભારત માટે રમતા જોવા મળ્યા હતા. સ્પિનર પીયૂષે ભારત માટે 3 ટેસ્ટ, 25 ODI અને 7 T20 મેચ રમી છે. તેમને ટેસ્ટમાં 7 , ODIમાં 32 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4 વિકેટ લીધી છે. પીયૂષ ચાવલાએ 6 જૂન શુક્રવારના દિવસે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. પીયૂષ ચાવલા 2007 T20 વર્લ્ડ કપ અને 2011 ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા. આ બંને વર્લ્ડ કપ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ભારતે જીત્યા હતા.
પીયૂષનું IPL કરિયર
પીયૂષ ચાવલાએ અલગ અલગ IPL ફ્રેન્ચાઇઝીમાં રમીને ખુબજ સારું પ્રદર્શન કર્યું હતું. પીયૂષ ચાવલા પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઇડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સન તરફથી IPLમાં તેમની રમતના દર્શન કરાવી ચૂક્યા છે. પીયૂષ ચાવલા ગયા વર્ષે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી IPLમાં રમ્યા હતા, પરંતુ સંજોગો વસાત તેઓને આ વર્ષે યોજાયેલ IPL 2025 માં કોઈ પણ ટીમે ખરીદ્યા ન હતા.