- ચીનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો
- મંદિરના QR કોડને પોતાના QR કોડથી બદલીને કરી ચોરી
- દાનની રકમ સીધી વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર
અત્યાર સુધી આપણે ચોરીના ઘણા અનોખા કિસ્સા જોયા હશે પણ હવે તો લોકો પૈસા માટે ભગવાનને પણ નથી છોડી રહ્યા. એક ચોંકાવનારો કિસ્સો ચીનમાંથી સામે આવ્યો છે. જ્યાં એક કાયદાના સ્નાતકે બૌદ્ધ મંદિરોમાં દાનની રકમ ચોરી કરવા માટે એક અનોખી રીત અપનાવી હતી. જે બાદ પોલીસ તેની ધરપકડ કરી છે.
દાનની રકમ આરોપીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી
મળતી માહિતી અનુસાર, આરોપીએ મંદિરમાં સ્થાપિત QR કોડને તેના વ્યક્તિગત QR કોડ સાથે બદલી નાખ્યો હતો. જ્યારે પણ કોઈ ભક્ત મંદિરમાં દાન કરે છે. ત્યારે તે રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ વ્યક્તિએ ચીનની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી કાયદામાં માસ્ટર્સ ડિગ્રી પૂર્ણ કરી છે.
દાન પેટીના QR કોડને પોતાના QR કોડથી બદલી નાખ્યો
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ સમગ્ર કૃત્યનો વીડિયો ફૂટેજ સાર્વજનિક થઈ ગયો છે. વાસ્તવમાં, શાંક્સી પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે ભક્તો મૂર્તિ સમક્ષ પ્રણામ કરે છે, તે જ સમયે વ્યક્તિ દાન પેટીના QR કોડને પોતાના QR કોડથી બદલી દે છે. જ્યારે ભક્ત મંદિરમાં દાન આપવા માટે મોબાઈલથી QR કોડ સ્કેન કરે છે, ત્યારે દાનની રકમ સીધી તે વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે.
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી
આ વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે આ વર્ષે તેણે ઉત્તરપશ્ચિમ શાંક્સી પ્રાંત અને દક્ષિણ પશ્ચિમ સિચુઆન અને ચોંગકિંગ પ્રાંતમાં બૌદ્ધ મંદિરો પર આ છેતરપિંડી કરી હતી, જ્યાંથી તેણે લગભગ 4,200 યુએસ ડોલર એટલે આશરે રૂ. 3.5 લાખની ચોરી કરી હતી.
યુક્તિ અપનાવીને દાનની રકમની ચોરી કરી
પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ આરોપીએ પણ કબૂલ્યું હતું કે તેણે અન્ય પ્રાંતોમાં બૌદ્ધ સંસ્થાઓમાંથી ચોરીની આ જ યુક્તિ અપનાવીને દાનની રકમની ચોરી કરી હતી. આ કેસની તપાસ કરનારાઓનું કહેવું છે કે આરોપીઓએ અત્યાર સુધીમાં ચોરેલી તમામ રકમ પરત કરી દીધી છે, પરંતુ ચીનમાં આ ઘટના ગંભીર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના સામે આવ્યા બાદ લોકો એ વિચારવા મજબૂર થઈ ગયા છે કે હવે લોકો છેતરપિંડી કરવા માટે ભગવાનનું ઘર પણ નથી છોડતા.


