- ફ્રાંસ ઘુસણખોરી જેવી વધુ એક ઘટના
- દુબઈથી આવેલુ પ્લેન જમૈકામાં રોકી દેવાયુ
- 250 થી વધુ લોકો પ્લેનમાં હતા સવાર
ગુજરાત તેમજ દેશભરમાંથી ટુરિસ્ટ વિઝા લઈને લોકોને અમેરિકામાં ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પર્દાફાશ થયો છે. અમુક મહિના પહેલા એક આખું વિમાન અમેરિકા પહોચવા માગતા ટુરિસ્ટો સાથે પકડાયું હતું. બાદમાં આ તમામને ડિફોલ્ડ કરીને ભારત પરત મોકલી દેવાયા હતા. ત્યારે, ફરી એકવાર આવું જ એક વિમાન જમૈકા ખાતે અટકાવવામાં આવ્યું છે. જેમાં 253 મુસાફરો હતા જેમાંથી મોટાભાગના ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી લોકો હતા જેઓ અમેરિકામાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.
પ્લેનમાં મોટાભાગના ગુજરાતી અને પંજાબી મુસાફરો
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યું છે કે દુબઈથી નીકળેલી ફ્લાઇટને શંકાના આશરે તપાસ કરવા માટે જમૈકા અટકાવી દેવામાં આવી હતી. આ ફ્લાઇટમાં કુલ 253 મુસાફર સવાર છે. જે પૈકીના 150થી વધુ મુસાફરો ભારતીયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એટલુ જ નહી મોટા ભાગના ગુજરાતીઓ અને પંજાબી પરિવારના લોકો પણ હોવાનું સામે આવી રહ્યું છે. આ તમામ અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં કહેવામાં આવી રહ્યું છે. જોકે, હાલ તો તમામ મુસાફરોની પુછપરછ કરવામાં આવી રહી છે અને તમામને એક હોટલમાં રાખવામાં આવ્યા છે.


