ઇસ્ટ ઝોન વિસ્તારથી ધાર્મિક દબાણો પર નોટિસ ચીપકાવવાનું ચાલુ
રાજકોટમાં નાની-મોટી ડેરી, ઓટા, મંદિર-મસ્જિદ સહિત ૨૦૦૦થી વધુ દબાણ હોવાની યાદી સરકાર પાસે ગઇ
રાજકોટમાં જાહેર રોડ, સરકારી જગ્યાઓમાં નાની-મોટી ધાર્મિક ડેરીથી માંડી મંદિરોના ડિમોલિશન માટેનો તખ્તો ઘડાઇ રહ્યો છે. સુપ્રિમ કોર્ટના નિર્દેશના પગલે રાજ્યના મુખ્ય સચિવે ધાર્મિક દબાણ દૂર કરવા કરેલા આદેશના પગલે રાજકોટ મહાનગરપાલિકાએ સંવેદશનશીલ કહી શકાય તેવી આ કામગીરી હાથ ધરી છે. ૧૪ વર્ષ પહેલા ધાર્મિક દબાણોની યાદી તૈયાર કરીને કોર્ટમાં આપી હતી. એ પછી થયેલા સર્વે બાદ મનપાની જ ટીપી શાખામાંથી મળતી સતાવાર માહિતી મુજબ હાલ રાજકોટમાં અધધધ.. કહી શકાય તેવા ૨૧૦૮ ધાર્મિક દબાણ હોવાના આંકડા રાજ્ય સરકાર પાસે ગયા છે. જો આ દબાણોનું ડિમોલિશન થાય તો રાજકોટના ઇતિહાસમાં ઐતિહાસિક ડિમોલિશન તો બનશે જ પણ સાથે મોટો ઉહાપોહ મચી જાય તેવા એંધાણ દેખાઇ રહ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાએ અચાનક જ દબાણરૂપ ધાર્મિક સ્થાનો પર ડિમોલિશન અંગેની કાર્યવાહી માટે નોટિસ ચોંટાડવાનું ચાલુ કર્યુ છે. છેલ્લા બે દિવસથી આ કાર્યવાહી ચાલતી હોવાનું અને અત્યાર સુધીમાં 10-15 સ્થાનકોમાં નોટિસ લગાવાઇ ચુકી હોવાનું જાણવા મળે છે. મનપાએ તૈયાર કરેલી સતાવાર યાદી મુજબ હાલ નાની-મોટી ધાર્મિક ડેરી, ઓટા, મંદિર સહિત શહેરમાંથી 2108 બાંધકામો દૂર કરવાના થાય છે. શહેરમાં રસ્તા અને જાહેર સ્થળોએ જે પણ ધાર્મિક બાંધકામો મંજૂરી વગરના છે તે ધાર્મિક દબાણોને દૂર કરવા માટેનો કેસ સુપ્રીમ કોર્ટમાં વર્ષોથી ચાલી રહ્યો છે. આ સંદર્ભે 14 વર્ષ પહેલાં રાજકોટ સહિત દરેક મહાનગરપાલિકાએ જેટલા પણ ધાર્મિક દબાણો છે તેનો સરવે કરીને તેની યાદી કોર્ટમાં આપી હતી. આજે ૧૪ વર્ષ બાદ ધાર્મિક દબાણોનું પ્રકરણ ઉખડ્યુ છે. હવે સુપ્રીમમાંથી નિર્દેશ આવ્યો છે કે આ તમામ દબાણો દૂર કરીને તે કામગીરી કર્યાનું સોગંદનામું કોર્ટમાં કરવાનું રહેશે. કોર્ટના આદેશને પગલે રાજ્યના મુખ્ય સચિવે તાકીદે રાજ્યના તમામ મહાનગરોને સૂચના આપતા રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે. હજુ ઈસ્ટ ઝોનમાં કાર્યવાહી શરૂ કરાઈ છે અને મંગળવારથી વેસ્ટ ઝોન અને સેન્ટ્રલ ઝોનમાં પણ નોટિસની કામગીરી શરૂ થશે. પ્રથમ તબક્કામાં વોર્ડ દીઠ 10-10 બાંધકામને નોટિસ અપાશે આ રીતે 180 બાંધકામ હટાવાશે અને ત્યારબાદ બીજા બાંધકામોને નોટિસ અપાશે.
રાજકોટ શહેરમાં કેટલા ધાર્મિક બાંધકામો ગેરકાયદે છે તેનું લિસ્ટ 2011ની આસપાસ બન્યું હતું. ત્યારબાદ નવા પણ બન્યાની શક્યતા છે પણ જૂના લિસ્ટ મુજબ ગણીએ તો શહેરમાં 2108 ધાર્મિક દબાણ છે. આ તમામ દબાણ દૂર કરીને મહાનગરપાલિકાએ સોગંદનામા આપવાના છે જે કોર્ટમાં આપવામાં આવશે. સરકારે આ જવાબ રજૂ કરવાના હોવાથી ચીફ સેક્રેટરી આ મામલે ખૂબ જ ગંભીર છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.
3 સિટી એન્જિનિયર, ૬ એટીપીને સોંપાઇ સંચાલનની કામગીરી
રાજકોટ મહાનગરપાલિકાએ કોર્ટમાં જે યાદી મોકલાવી હતી તે ૨૦૧૪ના વોર્ડ મુજબ હતી જોકે ત્યારબાદ વોર્ડના સીમાંકન બદલાયા છે. આ કારણે હવે વોર્ડ વાઈઝ કામગીરી એ લિસ્ટ મુજબ થઈ શકે નહિ જેથી દરેક ઝોનના બે એટીપીઓને ધાર્મિક દબાણના લોકેશનને આધારે વોર્ડ નક્કી કરવા અને ઝોન નક્કી કરીને નોટિસ આપવાની છે. બીજી તરફ ટી.પી. શાખામાં પણ પરિવર્તન આવતા હવે આ દબાણ દૂર કરવાની જવાબદારી સિટી એન્જિનિયર પર આવી છે તેથી 3 સિટી એન્જિનિયર અને 6 એટીપીઓ આ સમગ્ર કામગીરીનું સંચાલન સોંપવામા આવ્યુ છે.