અમેરિકામાં ફરી એકવાર ટ્રમ્પ સરકાર બની. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા. ટ્રમ્પે શપથ લેતા જ વિવિધ નીતિઓ અને નિર્ણયો લીધા જેની વૈશ્વિક સ્તરે મોટી અસરો જોવા મળી છે. અમેરિકાના નિર્ણયોની અસર ભારત પર પણ જોવા મળે છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ હતી કે પીએમ મોદી અમેરિકા જશે. ડોનાલ્ડ ટ્ર્મ્પને મળશે. ત્યારે અહેવાલો મળી રહ્યા છે કે પીએમ મોદી 12 ફેબ્રુઆરીએ અમેરિકા જઇ શકે છે.
ક્યારે અમેરિકા જશે પીએમ મોદી ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 ફેબ્રુઆરીએ અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી શકે છે. ફ્રાન્સમાં AI સમિટમાં હાજરી આપ્યા બાદ PM મોદી 12 ફેબ્રુઆરીની સાંજે વોશિંગ્ટન ડીસી પહોંચશે અને 14 ફેબ્રુઆરી સુધી ત્યાં રહેશે. આ સમય દરમિયાન PM મોદી અને ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ વડા પ્રધાન મોદીના સન્માનમાં રાત્રિભોજન કાર્યક્રમની તૈયારી કરી રહ્યા છે જેમાં અમેરિકાની જાણીતી હસ્તીઓ ભાગ લેશે. અમેરિકન કોર્પોરેટ નેતાઓને મળવા ઉપરાંત PM મોદી ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરી શકે છે.
મહત્વનું છે કે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની આ બેઠક પાંચ વર્ષ પછી થઈ રહી છે. જે બંને દેશો વચ્ચેના સંબંધોમાં પ્રગતિનું પ્રતિક છે. 2019 માં અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમના પ્રતિભાવમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ 2020માં ભારત આવ્યા હતા. તે દરમિયાન તેમણે ગુજરાતમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય મહેમાન હતા.
ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવી
મોદી-ટ્રમ્પ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત-અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે. પરસ્પર સંબંધો ઉપરાંત બંને નેતાઓ વૈશ્વિક મુદ્દાઓ પર એક સામાન્ય રણનીતિ બનાવવાનો પણ પ્રયાસ કરશે. આ સમય દરમિયાન બંને વચ્ચે ઘણા વિષયો પર ચર્ચા થવાની સંભાવના છે.
આ વિશે થઇ શકે સંભવિત ચર્ચા
વેપાર સંતુલન
રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં પીએમ મોદી સાથેની ટેલિફોનિક વાતચીતમાં અમેરિકા અને ભારત વચ્ચે વાજબી વેપાર સંબંધોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંરક્ષણ સહયોગ
અમેરિકન બનાવટના સુરક્ષા સાધનોની ખરીદી વધારવા અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
પ્રાદેશિક સુરક્ષા
ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર, મધ્ય પૂર્વ અને રશિયા-યુક્રેન અને યુરોપમાં સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વખત ભારતની વિદેશ નીતિ અને વડા પ્રધાન મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે.
ભારત-અમેરિકા સંબંધો પર અસર
આ બેઠકથી બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ વધવાની અપેક્ષા છે, જે વૈશ્વિક સ્તરે સંતુલન જાળવી રાખવામાં મદદ રૂપ થશે.
વૈશ્વિક સમીકરણો પર અસર
ભારત-અમેરિકા વચ્ચે વધતો સહયોગ વૈશ્વિક સ્તરે શક્તિ સંતુલનમાં બદલાવ આવી શકે છે. ખાસ કરીને ચીનના સંદર્ભમાં.
ક્વાડ દેશો સાથે ટ્રમ્પની યોજના
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્વાડ (યુએસ, ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા) દેશો સાથે સહયોગ વધારવાની યોજના ધરાવે છે. જે હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ છે. શપથ લીધા પછી તરત જ ટ્રમ્પે ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠક બોલાવી. પીએમ મોદીને મળતા પહેલા તેઓ જાપાનના પીએમને મળશે. પ્રધાનમંત્રી મોદીની અમેરિકા મુલાકાત પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આગામી થોડા મહિનામાં ભારતની મુલાકાત લેશે અને ક્વાડ કોન્ફરન્સમાં ભાગ લઇ શકે.


