- ચક્રવાત મિચોંગે મચાવી છે તબાહી
- તમિલનાડુ અને આંધ્રપ્રદેશ હાલ છે બેહાલ
- કેન્દ્ર સરકારે લંબાવ્યો મદદનો હાથ
કેન્દ્ર સરકારે તમિલનાડુ અને આંધ્ર પ્રદેશને મદદનો હાથ લંબાવ્યો છે. ચક્રવાતી તોફાન મિચોંગના કારણે થયેલા વિનાશ સામે હાલ આ બંને રાજ્યો ઝઝૂમી રહ્યા છે. કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા માટે ભારતના પ્રથમ શહેરી પૂર શમન પ્રોજેક્ટ માટે રૂ. 561 કરોડ મંજૂર કર્યા છે. આ સિવાય કેન્દ્રએ પૂર પ્રભાવિત રાજ્યોને નાણાકીય સહાયનો બીજો હપ્તો જાહેર કર્યો છે. જેમાં પીએમ મોદી દ્વારા આંધ્રપ્રદેશને 493.60 કરોડ રૂપિયા અને તમિલનાડુને 450 કરોડ રૂપિયા એડવાન્સમાં આપવાની સૂચના આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર એક પોસ્ટમાં આ વાત શેર કરી છે.
અમિતશાહે કર્યુ ટ્વિટ
શાહે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચેન્નાઈ શહેર ગંભીર પૂરનો સામનો કરી રહ્યું છે અને છેલ્લા આઠ વર્ષમાં આ ત્રીજું પૂર છે. મેટ્રો શહેરોમાં વધુ વરસાદને કારણે અચાનક પૂરની વધુ ઘટનાઓ જોવા મળી રહી છે. PM મોદીએ પ્રો-એક્ટિવ અભિગમ હેઠળ ચેન્નાઈ માટે NDMF હેઠળ રૂ. 561.29 કરોડના ખર્ચે પ્રથમ શહેરી પૂર રાહત પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ ‘ચેન્નાઈ બેસિન પ્રોજેક્ટ માટે ઈન્ટિગ્રેટેડ અર્બન ફ્લડ મેનેજમેન્ટ એક્ટિવિટીઝ’ની રકમમાં રૂ. 500 કરોડની કેન્દ્રીય સહાયનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ ચેન્નાઈને પૂર-પ્રતિરોધક બનાવવામાં મદદ કરશે અને શહેરી પૂર વ્યવસ્થાપન માટે વ્યાપક માળખું વિકસાવવામાં મદદ કરવા માટે શહેરી પૂર રાહત પ્રયાસોની શ્રેણીનું પ્રથમ પગલું છે.
રાજનાથસિંહે કર્યુ હતુ હવાઈ નિરીક્ષણ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે તમિલનાડુના પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. તેમણે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં પૂરને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ વિશે પણ માહિતી આપી હતી. બાદમાં રક્ષા મંત્રીએ કહ્યું કે પીએમ મોદી રાજ્યમાં લોકોના મોતથી દુખી છે. તેઓ વ્યક્તિગત રીતે વર્તમાન સંકટ પર નજર રાખી રહ્યા છે અને સીએમ સ્ટાલિન સાથે વાત કરી છે. મને પીએમ મોદી દ્વારા અહીંની પરિસ્થિતિ પર વ્યક્તિગત રીતે નજર રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આર્મી, નેવી, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ, એનડીઆરએફ, તમામ કેન્દ્રીય એજન્સીઓ વર્તમાન સંકટને ઘટાડવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.


