પીએમ મોદી મોરેશિયસના પ્રવાસે છે. પીએમ મોદીએ આજે પોર્ટ લુઇસમાં મોરેશિયસના નેશનલ પરેડ ડેમાં ચીફ ગેસ્ટ તરીકે ભાગ લીધો. ભારતીય નૌસેનાની ટીમએ પણ આ પરેડમાં ભાગ લીધો.મહત્વનું છે કે પીએમ મોદી મંગળવારે મોરેશિયસ પહોંચ્યા હતા. જ્યાં ભારતીય મૂળના લોકોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીને મોરેશિયસનું સર્વોચ્ચ સન્માન આપીને સન્માનિત કરાયા હતા. તેમને મોરેશિયસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એવોર્ડ અપાયો હતો.
મોરેશિયસમાં નેશનલ પરેડ ડેમાં પીએમ મોદી મોરેશિયસના રાષ્ટ્રપતિ ધરમ ગોખુલ અને વડાપ્રધાન નવીનચંદ્ર રામગુલામ સાથે સારા પળો વિતાવતા જોવા મળ્યા હતા.
પીએમ મોદીએ શું કહ્યું?
મોરેશિયસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયો વતી, હું મોરેશિયસના તમામ નાગરિકોને રાષ્ટ્રીય દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. મારા માટે ખૂબ જ ભાગ્યની વાત છે કે મને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસે ફરીથી આવવાની તક મળી રહી છે. ભારત અને મોરેશિયસ માત્ર હિંદ મહાસાગર દ્વારા જ નહીં પરંતુ સહિયારી સાંસ્કૃતિક પરંપરાઓ અને મૂલ્યો દ્વારા પણ જોડાયેલા છે. આપણે આર્થિક અને સામાજિક પ્રગતિના માર્ગમાં એકબીજાના ભાગીદાર છીએ.
પીએમ મોદીએ કહ્યું, કુદરતી આફત હોય કે કોવિડની આફત, અમે હંમેશા એકબીજાને ટેકો આપ્યો છે. સંરક્ષણ હોય કે શિક્ષણ, આરોગ્ય હોય કે અવકાશ, આપણે દરેક ક્ષેત્રમાં ખભે ખભો મિલાવીને ચાલી રહ્યા છીએ. છેલ્લા 10 વર્ષોમાં આપણે આપણા સંબંધોમાં ઘણા નવા પરિમાણો ઉમેર્યા છે. વિકાસ સહયોગ અને ક્ષમતા નિર્માણમાં નવા વિક્રમો સ્થાપિત થયા છે.


