- પીએમ મોદી હાલ UAEની મુલાકાતે
- હિંદુ મંદિરના ઉદઘાટના બાદ મોદી કતાર પહોંચ્યા
- કતારમાં પીએમનું સ્વાગત કરાયું
પીએમ મોદી ગુરુવારે સવારે બે દિવસની મુલાકાતે કતાર પહોંચ્યા હતા. આ દરમિયાન કતાર અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત કરવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. પીએમ મોદીનું દોહા એરપોર્ટ પર કતારના વિદેશ રાજ્ય મંત્રી સુલતાન બિન સાદ અલ-મુરૈખીએ સ્વાગત કર્યું. વડાપ્રધાને તેમના કતારના સમકક્ષ શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથે મુલાકાત કરી. બંને વચ્ચે વેપાર, રોકાણ, ઊર્જા અને નાણા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
ભારતીયોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું
દોહા એરપોર્ટથી નીકળતાની સાથે જ ત્યાં હાજર ભારતીયોએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ ભારતીય લોકોની શુભેચ્છાઓ સ્વીકારી. તેમની સાથે હાથ મિલાવ્યા બાદ તેઓ કતારના મંત્રીઓને મળવા માટે રવાના થશે. પીએમ મોદીએ એક્સ પર એક પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. અગાઉ પણ કતાર જતા પહેલા, તેમણે પોસ્ટ કરી હતી અને કતારની મુલાકાત દરમિયાન સકારાત્મક વાતચીતની આશા વ્યક્ત કરી હતી.
ભારતીયોની મુક્તિ બાદ પ્રથમ વખત કતાર પહોંચ્યા
કતારે તાજેતરમાં ભારતના આઠ ભૂતપૂર્વ નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા છે. આ તમામ પૂર્વ નૌસેના અધિકારીઓ છેલ્લા 16 મહિનાથી કતારની જેલમાં હતા. નૌકાદળના આ ભૂતપૂર્વ અધિકારીઓને એક ખાનગી કંપની દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા હતા. તમામ ભૂતપૂર્વ અધિકારીઓની કથિત રીતે જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. કતારની અદાલતે તેને મૃત્યુદંડની સજા ફટકારી હતી. જો કે, ભારત સરકારના પ્રયાસોને કારણે, આ અધિકારીઓની સજાને શરૂઆતમાં આજીવન કેદમાં બદલવામાં આવી હતી. બાદમાં, કતારના અમીરની દરમિયાનગીરી પછી, તમામ ભૂતપૂર્વ અધિકારીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
વર્ષ-2016માં પણ પીએમ મોદી કતારની મુલાકાત લીધી હતી
પીએમ મોદીએ 2016માં કતારની મુલાકાત પણ લીધી હતી. 2015માં કતારના અમીરે ભારતની મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં ભારત અને કતાર વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થશે. કતારની તેમની વર્તમાન મુલાકાત દરમિયાન વડાપ્રધાન કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીને પણ મળશે.બંને વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાની સાથે પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.


