- ફરી એકવાર કોંગ્રેસ પર પીએમ મોદીએ સાધ્યુ નિશાન
- કોંગ્રેસની કારમી હારને લઇને કર્યા પ્રહાર
- કહ્યું,’આ લોકો ઘમંડી છે, સ્થિતિ વધુ ખરાબ થશે’
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 3 રાજ્યોમાં જીત અને કોંગ્રેસને એક રાજ્યમાં જીત મળતા કોંગ્રેસ પર પીએમ મોદી અવારનવાર સલાહ- સૂચના આપતા જોવા મળી રહ્યા છે. સંસદ સત્રમાં ગુસ્સો ન કરવાની સલાહ બાદ આજે તેઓએ ટ્વિટ કરીને કોંગ્રેસને આડેહાથ લીધી હતી.
ટ્વિટ કરીને કોંગ્રેસ પર કર્યા વાર
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જંગી બહુમતીથી મળેલી જીત અને કોંગ્રેસની કારમી હાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ‘તેમના ઘમંડ, જુઠ્ઠાણા, નિરાશાવાદ અને અજ્ઞાનતાથી ખુશ રહેવું જોઈએ.’ જો કે, તેમણે કોંગ્રેસના કથિત ‘વિભાજનકારી એજન્ડા’ વિશે ચેતવણી આપતાં કે જનતાએ આ લોકોના વિભાજનકારી એજન્ડાથી સાવધ રહેવું પડશે. તેમણે કહ્યું કે 70 વર્ષ જૂની આદત આટલી આસાનીથી દૂર થઈ શકતી નથી. પીએમે ઈશારામાં કહ્યું કે આવા ડહાપણના કારણે તેઓએ ભવિષ્યમાં ઘણી વધુ ચૂંટણીઓ હારવી પડી શકે છે.
અગાઉ આપી હતી સલાહ
મહત્વનું છે કે નવેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યોમાં કોંગ્રેસની હાર બાદ તેલંગાણા કોંગ્રેસ માટે એકમાત્ર આશ્વાસન બનીને આવ્યું છે. જ્યાં કોંગ્રેસે કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાસેથી સત્તા છીનવી લીધી. મહત્વનું છે કે શિયાળુ સત્રની શરૂઆત થતા પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ વિપક્ષને સલાહ આપતા જણાવ્યું હતું કે ચૂંટણીમાં મળેલી હારનો ગુસ્સો સદનમાં ન ઉતારે. કોંગ્રેસે હાર પર નિરાશ ન થવુ અને નકારાત્મકતા છોડીને આગળ વધવા જણાવ્યું હતું.


