- 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
- અંતરિક્ષ, હેલ્થ, વેપાર ક્ષેત્રે આત્મનિર્ભરનું સપનું સાકાર કરવા પ્રયાસો કરાયા
- અમદાવાદમાં ત્રણ અને કલોલમાં બે કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ રવિવારે ગુજરાત મુલાકાતે આવ્યા હતા, અમદાવાદમાં ત્રણ અને કલોલમાં બે કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી. પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત આત્મનિર્ભર શેરી ફેરિયાઓના અમદાવાદમાં યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, કોરોના સમયે નાના વેપારી, ફેરિયાના ધંધા પડી ભાંગ્યા હતા, તેમને ફરી બેઠા કરવા અને આત્મનિર્ભર બનાવવા માટે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કરાઈ હતી, ફેરિયા અને નાના વેપારીઓને ક્રમશઃ 10, 20 અને 50 હજારની કાર્યશીલ મૂડી કોઈ પણ ગેરંટી વિના આપવામાં આવે છે, તેમના ગેરંટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્યા છે. કોરોનાના કપરા સમયમાં આપણે આત્મનિર્ભર વેક્સિન બનાવીને દેશના 140 કરોડ લોકોને મહામારી સામે રક્ષણ આપવાનું કામ કર્યું છે.
આગામી 2024ની લોકસભા ચૂંટણીમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં ભાજપાની પ્રચંડ જીતનો કેન્દ્રીય ગૃહમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પીએમ સ્વનિધિ યોજનાના લાભોના વિતરણમાં અમદાવાદ શહેર દેશમાં પ્રથમ ક્રમે છે. શહેરમાં 1.55 લાખ શેરી ફેરિયાઓ અને નાના વેપારીની અરજી મંજૂર કરવામાં આવી છે, જેમાંથી 1.48 લાખથી વધુ લાભાર્થીને 186.68 કરોડની લોન ચૂકવવામાં આવી છે, સમયસર લોન પરત કરવાથી 7 ટકા વ્યાજ સબસિડી લાભાર્થીને મળે છે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી વાર્ષિક 1200 રૂપિયા કેશબેક પણ લાભાર્થીને મળે છે, અરજી કરનારમાં 45 ટકા લાભાર્થી મહિલા છે. દેશમાં 40 લાખથી વધુ ફેરિયાઓ આજે ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયા છે. ગુજરાતમાં આશરે છ લાખ લોકોને 700 કરોડ રૂપિયાથી વધુની લોન સહાય ચુકવાઈ છે. પીએમ સ્વનિધિ ઉપરાંત જનધન યોજના, પ્રધાન મંત્રી જન જ્યોતિ યોજના, પીએમ સુરક્ષા વીમા યોજના, જનની સુરક્ષા યોજના, શિક્ષણ, આરોગ્ય અને આહાર જેવી જરૂરિયાતો પૂરી પાડવામાં અનેક સરકારી યોજનાઓ મદદરૂપ સાબિત થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંતરિક્ષ, રક્ષા, હેલ્થ , વેપાર ઉદ્યોગ સહિતના તમામ સેક્ટરોમાં આત્મ નિર્ભર ભારતનું સપનું સાકાર થાય તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે. દેશના 60 કરોડ ગરીબોના જીવન સ્તરને ઉપર લાવવાનું તેમજ તેમને આત્મનિર્ભર બનાવવાનું સપનું સેવ્યું છે.
રામલલાના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી બનવા હાકલ
ગાંધીનગર : કલોલના પાનસર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ તળાવનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે કુલ 45 પ્રજાલક્ષી વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામમંદિરના નિર્માણનું સ્વપ્ન સાકાર થઇ રહ્યુ છે, ભગવાન રામલલા 550 વર્ષ પછી તેમના ઘરે બિરાજમાન થવા જઇ રહ્યા છે. આ ક્ષણે દરેક નાગરિકોને ઘરે અને મંદિરમાં ઝાલર અને શંખનાદથી પૂજા અર્ચના કરી આ ક્ષણના સહભાગી બનવા હાકલ કરી હતી. કલોલમાં સરદાર પટેલ ગૃપ દ્વારા હિન્દુ એકતા સંમેલનનું આયોજન કરાયુ હતું. જેમાં બોરીસણા રોડ ઉપર સરદાર વલ્લભભાઇ પટેલની 15 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં આગામી 2036માં ઓલિમ્પિક રમાશે
કેન્દ્રીય મંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સાંસદ ખેલકૂદ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો, તેમણે કહ્યું કે, અમદાવાદમાં 4600 કરોડના ખર્ચે અત્યાધુનિક સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં આગામી 2036માં ઓલિમ્પિક રમાશે. આ ઉપરાંત 600 કરોડના ખર્ચે નારણપુરામાં દેશનું સૌથી મોટું સ્પોર્ટસ કોમ્પલેક્ષ તૈયાર થશે.


