- બાંગ્લાદેશની 300 બેઠકોની સંસદ માંથી 299 બેઠકો પર થઈ હતી ચૂંટણી
- 299 બેઠકો માંથી 223 બેઠકો પર થઈ શેખ હસીનાની પાર્ટીની ચોથી જીત
- સતત ચોથી જીત બાદ વડાપ્રધાને ફોન કરીને આપી શુભેચ્છા, બાદમાં કર્યું ટ્વિટ
બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણીઓમાં શાનદાર જીત નોંધાવીને શેખ હસીના પાંચમી વખત દેશના વડાપ્રધાન બનવા માટે તૈયાર છે. વડાપ્રધાન તરીકે આ તેમની સતત ચોથી ટર્મ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શેખ હસીનાને ફોન કરીને વાત કરી હતી અને ચૂંટણીમાં જ્વલંત વિજય માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે શેખ હસીના સાથે વાત કરી અને સંસદીય ચૂંટણીઓમાં સતત ચોથી વખત ઐતિહાસિક જીત માટે અભિનંદન આપ્યા. હું બાંગ્લાદેશના લોકોને પણ સફળ ચૂંટણી માટે અભિનંદન આપું છું. અમે બંગાળદેશની સાથે ભાગીદારી વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
આ પહેલા શેખ હસીનાએ બાંગ્લાદેશની રાષ્ટ્રીય ચૂંટણીમાં તેમની પાર્ટી આવામી લીગની ઐતિહાસિક જીત બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે ભારતને સાચો મિત્ર ગણાવ્યો હતો. શેખ હસીનાએ કહ્યું હતું કે, ‘ભારત બાંગ્લાદેશનો ખૂબ જ સારો અને સાચો મિત્ર છે. તેમણે 1971 અને 1975માં અમને સમર્થન આપ્યું હતું. અમે ભારતને આપણો પાડોશી માનીએ છીએ. હું ખરેખર પ્રશંસા કરું છું કે ભારત સાથે અમારા અદ્ભુત સંબંધો છે. તેમણે ભવિષ્યમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને વધુ ઊંચાઈએ લઈ જવાના તેમના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો. શેખ હસીનાએ મીડિયા સમક્ષ 2041 સુધીમાં બાંગ્લાદેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું પોતાનું વિઝન પણ રજૂ કર્યું હતું.
શેખ હસીનાની પાર્ટીને 300 માંથી મળી 223 બેઠકો
બાંગ્લાદેશની 300 બેઠકોની સંસદમાંથી કુલ 299 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. હસીનાની પાર્ટી અવામી લીગે 223 બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી છે. એક બેઠક પર ઉમેદવારના મોતને કારણે તે બેઠક પર ચૂંટણી સ્થગિત કરી દેવામાં આવી હતી. તે બેઠક પર હવે પછી પેટાચૂંટણી યોજાશે.


