- Deepfakeને લઇને પીએમ મોદી થયા ચિંતિત
- કહ્યું સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે
- પોતાનો ગરબા ગાતો વીડિયો અંગે કરી વાત
ટેક્નોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના આ યુગમાં કોઈપણ ચિત્ર, વિડિયો અને ઑડિયોને સંપૂર્ણપણે અલગ બનાવી શકાય છે તો સાથે સાથે રિયલ ઇમેજ સાથે ચેડા પણ થઇ રહ્યા છે. તેનુ જ એક તાજુ ઉદાહરણ આપણે જોઇએ છીએ રશ્મિકા મંદાનાનો ડિપફેક વીડિયો. આ વીડિયો ભારે વાયરલ થયો હતો. જો કે તે બાદ તો અન્ય સેલિબ્રિટીના પણ ડીપફેક ઇમેજ અને વીડિયો સામે આવી રહ્યા છે. ત્યારે આ મામલે ખુદ પીએમ મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
ડીપફેક અંગે વ્યક્ત કરી ચિંતા
પીએમ મોદીએ ડીપફેક અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે ડીપફેક સમાજમાં ભારે અશાંતિ પેદા કરી શકે છે. પીએમ મોદીએ કહ્યું કે લાઇનની બહારની એક લાઇન પણ હંગામો મચાવી શકે છે. તેમણે કહ્યું કે જનરેટિવ AI દ્વારા બનાવવામાં આવેલા ફોટોગ્રાફ્સ અથવા વીડિયોમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર હોવુ જોઇએ કે જેમાં લખ્યુ હોય કે આ વીડિયો કે ઇમેજ ડીપફેકનો ઉપયોગ કરીને બનાવેલ છે.
પોતાના વીડિયોનો કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ ડીપફેક્સને ભારતીય સિસ્ટમ સામેના સૌથી મોટા ખતરામાંથી એક ગણાવ્યુ છે. પીએમ મોદીએ કહ્યું કે ડીપ ફેક સમાજમાં અરાજકતા પેદા કરી શકે છે. તેમણે કહ્યું કે લોકો અને મીડિયાએ ડીપફેક અંગે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. પીએમએ કહ્યું કે મે મારો એક વીડિયો જોયો જેમાં હું ગરબા કરી રહ્યો છું, જે ઘણો જ વાસ્તવિક લાગતો હતો. મહત્વનું છે કે નવી દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે ભાજપના દિવાળી મિલન કાર્યક્રમમાં પત્રકારોને સંબોધતા પીએમ મોદીએ આ વાત કહી.
ડીપફેક શું હોય છે?
હાલમાં એઆઇની મદદથી કોઇપણ ચિત્રો, વીડિયો અને ઓડિયોની સાથે છેડછાડ કરવી શક્ય બની છે. પછી તે ભલે કોઇ નેતાનો હોય કે અભિનેતાનો હોય. વીડિયો, ઇમેજ તથા ઓડિયો પણ સંપૂર્ણ રીતે બદલી શકાય છે. જેથી જોનાર વ્યક્તિને ખબર પડે જ નહી કે આ ખોટો વીડિયો છે કે સાચો. જેને ડીપફેક કહેવામાં આવે છે. અગાઉ, ફોટોશોપ અને અન્ય ટૂલની મદદથી લોકોના ફોટા મોર્ફ કરવામાં આવતા હતા, પરંતુ ડીપફેક તેનાથી પણ આગળ છે. વીડિયોને એટલી નજીકથી એડિટ કરવામાં આવે છે કે તે વાસ્તવિક દેખાવા લાગે છે. આ માટે, તે વ્યક્તિના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટા અને વીડિયો દ્વારા એક અલ્ગોરિધમ પ્રશિક્ષિત કરવામાં આવે છે, જેને ડીપ લર્નિંગ કહેવામાં આવે છે. આ પછી, બીજા વિડિયોમાં આ અલ્ગોરિધમની મદદથી કોઈપણ એક ભાગને મોર્ફ કરવામાં આવે છે. તેની મદદથી એડિટ કરવામાં આવેલ વિડિયો સંપૂર્ણ રીતે વાસ્તવિક લાગે છે.આ માટે વોઈસ ક્લોનિંગનો પણ ઉપયોગ કરવામાં આવે છે.