સીપી રાધાકૃષ્ણનની પસંદગી ઉપરાષ્ટ્રપતિ પદ માટે એનડીએ દ્વારા કરવામાં આવી છે. રવિવાર (17 ઓગસ્ટ) ના રોજ NDAની બેઠક બાદ ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીપી રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDAના ઉમેદવાર બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે રાધાકૃષ્ણનના વખાણ પણ કર્યા છે.
પીએમ મોદીએ સીપી રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર રાધાકૃષ્ણનના લાંબા જાહેર જીવનના વખાણ કરતી એક પોસ્ટ શેર કરી છે અને સીપી રાધાકૃષ્ણનની તસવીરો પણ શેર કરી છે જેમાં પીએમ મોદી પણ તેમની સાથે જોવા મળે છે. પીએમએ પોતાની પોસ્ટમાં કહ્યું, ‘પોતાના લાંબા જાહેર જીવનમાં, થિરુ સીપી રાધાકૃષ્ણનજીએ પોતાના સમર્પણ, નમ્રતા અને બુદ્ધિમત્તાથી પોતાની છાપ છોડી છે. વિવિધ હોદ્દા પર રહીને, તેમણે હંમેશા સમુદાય સેવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને સશક્ત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે’. વધુમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “સીપી રાધાકૃષ્ણને તમિલનાડુમાં પાયાના સ્તરે વ્યાપક કાર્ય કર્યું છે. મને ખુશી છે કે એનડીએ પરિવારે તેમને અમારા ગઠબંધનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવાનો નિર્ણય લીધો છે.”
સીપી રાધાકૃષ્ણને વડાપ્રધાન મોદીનો માન્યો આભાર
ત્યારે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર થવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા તેમણે કહ્યું, ‘હું આપણા પ્રિય નેતા, આપણા સૌથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો મને એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવા અને દેશની સેવા કરવાની તક આપવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું’.
કેન્દ્રીય મંત્રી અમિત શાહ સહિત અન્ય ઘણા નેતાઓએ પણ અભિનંદન પાઠવ્યા
કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ સી.પી. રાધાકૃષ્ણનને અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા અમિત શાહે કહ્યું, ‘મહારાષ્ટ્રના માનનીય રાજ્યપાલ શ્રી સી.પી. રાધાકૃષ્ણનજીને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર તરીકે નામાંકિત થવા બદલ અભિનંદન. સાંસદ અને વિવિધ રાજ્યોના રાજ્યપાલ તરીકેની તમારી ભૂમિકાઓએ બંધારણીય ફરજો અસરકારક રીતે નિભાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે તમારો વિશાળ અનુભવ અને જ્ઞાન ઉપલા ગૃહની પ્રતિષ્ઠામાં વધારો કરશે અને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરશે. આ સાથે જ દેશના ઘણા મોટા નેતાઓએ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન આપ્યા છે.