- પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રમાથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું
- એક અનોખા પ્રયોગ હેઠળ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું ફર્યુ
- પીએમ મોદીએ ઇસરોને પાઠવ્યા અભિનંદન
ઈસરોએ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાનાંતરિત કર્યું છે. આ અંગે પીએમ મોદીએ ટ્વિટ કરીને ઇસરોને અભિનંદન પાઠવ્યા હતા. મહત્વનું છે કે મંગળવારે ઇસરોએ આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું કે જે રીતે ચંદ્રયાન મોકલવામાં સફળ થયા છીએ તેવી જ રીતે આગામી મિશનોમાં ફાયદાના ભાગરૂપે પ્રોપલ્શન મો઼ડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે.
પીએમ મોદીએ પાઠવી શુભકામના
પીએમ મોદીએ બુધવારે ટ્વિટર પર પોસ્ટ કરીને ISROને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું કે 2040 સુધીમાં એક ભારતીયને ચંદ્ર પર મોકલવાના અમારા લક્ષ્ય સહિત ભાવિ અવકાશ પ્રયાસોમાં એક અન્ય ટેક્નોલોજી માઇલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે.
ભારતે ચંદ્રયાનનું સફળ લોન્ચિંગ કરીને એક ઇતિહાસ રચી દીધો. પ્રજ્ઞાન અને રોવરે સફળતાપૂર્વક લેન્ડિંગ કરીને કામગીરી પુરી પાડી છે. જો કે બાદમાં પ્રજ્ઞાન અને વિક્રમ બંને ડિએક્ટિવ થઇ ગયા હતા. પરંતુ મિશન ચંદ્રયાન તો સફળ જ રહ્યું છે. ત્યારે હવે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ એક અનોખા પ્રયોગ હેઠળ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ (PM)ને ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં મૂક્યું છે.
શુ હતો ચંદ્રયાનનો ઉદ્દેશ ?
ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પ્રદેશની નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને લેન્ડર ‘વિક્રમ’ અને રોવર ‘પ્રજ્ઞાન’ પર ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને નવા પ્રયોગો કરવાનો હતો. આ અવકાશયાનને LVM3-M4 રોકેટ દ્વારા 14 જુલાઈ 2023 ના રોજ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
23 ઑગષ્ટે કર્યુ હતુ લેન્ડિંગ
લેન્ડર વિક્રમે 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર ઐતિહાસિક લેન્ડિંગ કર્યું હતું અને પછી પ્રજ્ઞાનને લેન્ડ કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 મિશનના ઉદ્દેશ્યો સંપૂર્ણ રીતે પૂર્ણ થઇ ગયા છે. ISROએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રોપલ્શન મોડ્યુલનો પ્રાથમિક ઉદ્દેશ્ય લેન્ડર મોડ્યુલને જીઓસ્ટેશનરી ટ્રાન્સફર ઓર્બિટ (GTO)થી ચંદ્રની અંતિમ ધ્રુવીય ભ્રમણકક્ષામાં પરિવહન કરવાનો છે. મિશન ગોળાકાર ભ્રમણકક્ષામાં પહોંચવાનું અને લેન્ડરને અલગ કરવાનું હતું.
પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં
સ્પેસ એજન્સીએ કહ્યું કે અલગ થયા બાદ પેલોડ ‘સ્પેક્ટ્રો-પોલરીમેટ્રી ઓફ હેબિટેબલ પ્લેનેટ અર્થ’ પણ પ્રોપલ્શન મોડ્યુલમાં ચલાવવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રારંભિક યોજના આ પેલોડ પીએમના જીવનકાળ દરમિયાન લગભગ ત્રણ મહિના માટે કામ કરવાની હતી, પરંતુ ચંદ્રની ભ્રમણકક્ષામાં એક મહિનાથી વધુ કામ કર્યા પછી, પીએમ પાસે હજુ પણ 100 કિલો કરતાં વધુ ઇંધણ ઉપલબ્ધ છે. ઈસરોએ કહ્યું કે ભવિષ્યના ચંદ્ર મિશન માટે વધારાની માહિતી એકત્ર કરવા માટે પીએમમાં ઉપલબ્ધ ઈંધણનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અત્યારે પીએમ પૃથ્વીની પરિક્રમા કરી રહ્યા છે અને તેમણે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિલોમીટરની ઉંચાઈએ ચંદ્રની ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીકનું બિંદુ પાર કર્યું.
આનાથી શું ફાયદો થશે?
ઈસરોએ કહ્યું કે ચંદ્ર ભ્રમણકક્ષામાંથી પ્રોપલ્શન મોડ્યુલને પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના કરતી વખતે થશે. ખાસ કરીને ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનને પાછું લાવવામાં. હાલમાં, મોડ્યુલ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે પ્રારંભિક તબક્કામાં છે.


