- વોટના બદલે નોટ કેસમાં SCનો મોટો નિર્ણય
- સાંસદોને કાનૂની રક્ષણ આપવાનો SCનો ઈનકાર
- PM મોદીએ SCના નિર્ણય અંગે આપી પ્રતિક્રિયા
વોટને બદલે નોટ મામલે સુપ્રિમ કોર્ટે ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો. સુપ્રિમ કોર્ટે પી.વી નરસિમ્હા રાવ કેસમાં 1998ના ચુકાદાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચના બદલામાં વિધાનસભામાં મત મેળવે તો તેમને કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવતી નથી. ત્યારે સુપ્રિમ કોર્ટના આ નિર્ણયને પીએમ મોદીએ વધાવી લીધો હતો.
સુપ્રિમ કોર્ટના નિર્ણયને PM મોદીએ આવકાર્યો
પીએમ મોદીએ પણ નોટ ફોર વોટ મુદ્દે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં આ નિર્ણયનું સ્વાગત કરતા લખ્યું કે, ‘સ્વાગત! માનનીય સર્વોચ્ચ અદાલતનો એક સારો નિર્ણય, જે દોષરહિત રાજકારણ અને વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ મજબૂત કરશે.
ફોજદારી કેસ દાખલ કરવાની આપી મંજૂરી
મહત્વનું છે કે સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચે ઝારખંડ મુક્તિ મોરચા લાંચ કેસમાં તેના અગાઉના નિર્ણયને પલટાવી દીધો છે. મત આપવા માટે પૈસા લેવા બદલ સાંસદો અને ધારાસભ્યો સામે ફોજદારી કેસ દાખલ કરવાની મંજૂરી આપી છે. મુખ્ય ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું કે લાંચના કેસ સંસદીય વિશેષાધિકાર દ્વારા સુરક્ષિત નથી અને 1998ના ચુકાદાનું અર્થઘટન બંધારણની કલમ 105 અને 194ની વિરુદ્ધ છે. કલમ 105 અને 194 સંસદ અને વિધાનસભામાં સાંસદો અને ધારાસભ્યોની સત્તાઓ અને વિશેષાધિકારો સાથે સંબંધિત છે. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે લાંચના કેસમાં આ કલમો હેઠળ છૂટ નથી કારણ કે તે જાહેર જીવનમાં ઇમાનદારીનો નાશ કરે છે.


