- 22 નવેમ્બરે G20 નેતાઓની વર્ચ્યુઅલ સમિટ
- PM મોદી કરશે અધ્યક્ષતા
- G20ના સમાપન સત્રમાં કરી હતી જાહેરાત
પીએમ મોદી જી 20 નેતાઓની 22 નવેમ્બરે વર્ચ્યુઅલ સમિટની અધ્યક્ષતા કરશે. સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં G20 સમિટનું સમાપન સત્ર યોજાયું હતું. તે દરમિયાન પીએમ મોદીએ વર્ચ્યુઅલ સમિટનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. PM મોદીએ કહ્યું હતું કે G20 સમિટમાં ભારતની અધ્યક્ષતા સમાપ્ત થાય તે પહેલાં ભારત નવ મહેમાન દેશો અને 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વડાઓને આમંત્રણ આપીને વર્ચ્યુઅલ સમિટ યોજશે.
તમામ જી20 સભ્યોના નેતાઓને આમંત્રણ
આ કાર્યક્રમ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આફ્રિકન યુનિયનના પ્રમુખ સહિત તમામ G20 સભ્યોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આકાશવાણીના અહેવાલ મુજબ, નવી દિલ્હીમાં G20 સમિટમાં નેતાઓની ઘોષણા સર્વસંમતિથી અપનાવવામાં આવી હતી. વર્ચ્યુઅલ સમિટના સંદર્ભમાં વિદેશ મંત્રાલયે કહ્યું કે નવી દિલ્હી સમિટના પરિણામો અને કાર્યવાહીના મુદ્દાઓને આગળ વધારવામાં આવશે. આ પછી વિકાસની સમીક્ષા પણ કરવામાં આવશે.
G20માં કયા દેશોનો સમાવેશ ?
મહત્વનું છે કે G20 સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના 85 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. 75 ટકા વૈશ્વિક વેપાર આ દેશો વચ્ચે થાય છે. વિશ્વની કુલ વસ્તીના બે તૃતીયાંશ લોકો આ દેશોમાં રહે છે.જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુકે, યુએસ અને યુરોપિયન યુનિયન (EU) સામેલ છે. જો કે આ વર્ષે દિલ્હીમાં આયોજિત સમિટમાં આફ્રિકન યુનિયનને G20ના નવા સભ્ય તરીકે માન્યતા આપવામાં આવી છે.