- પીએમ મોદીએ ટ્વિટ કરીને કયા-કયા મુદ્દે વાત કરી તેની માહિતી આપી
- જુદા જુદા ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી
- રશિયાની અધ્યક્ષતામાં યોજાનાર BRICS સમિટને લઈને પણ થઈ ચર્ચા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે ટેલિફોનિક વાત કરી છે. આ દરમિયાન બંને નેતા વચ્ચે અનેક મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર જણાવ્યું કે રાષ્ટ્રપતિ પુતિન સાથે સારી એવી ચર્ચા થઈ આ આ દરમિયાન બંને દેશો વચ્ચે વિશિષ્ટ વ્યૂહાત્મક સહયોગને લઈને ચર્ચા થઈ. સાથે જ ભવિષ્યને લઈને રોડમેપ તૈયાર કરવા અંગે પણ સહમતી સધાઈ. પીએમ મોદી કહ્યું કે અમારી વચ્ચે જુદા જુદા ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી જેમાં રશિયાને મળેલ બ્રિક્સની અધ્યક્ષતાનો મુદ્દો પણ સામેલ છે.
મહત્વનું છે કે, આ વખતે BRICS સમિટ રશિયામાં યોજાશે. BRICS જૂથમાં પાંચ દેશોનો સમાવેશ થાય છે – બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા. આ સંગઠનને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓનો સમૂહ માનવામાં આવે છે. પહેલા આ જુથ BRIC ના નામે ઓળખાતું હતું પરંતુ 2010માં દક્ષિણ આફ્રિકાના આ જૂથમાં જોડાયા બાદ BRICS બન્યું. જૂથની પ્રથમ બેઠક 2006માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં જી-8 સમિટની સાથે મળી હતી. શિખર સ્તરની પ્રથમ બેઠક 16 જૂન 2009ના રોજ રશિયાના યેકાટેરિંગબર્ગમાં યોજાઈ હતી.
વડાપ્રધાન કાર્યાલય (PMO)ના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘બંને નેતાઓએ રશિયા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય સહયોગના અનેક મુદ્દાઓની સમીક્ષા કરી હતી. તેઓએ બંને દેશોમાં થયેલા વિકાસનું મૂલ્યાંકન કર્યું અને ભારત-રશિયા સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભાવિ રોડમેપ વિકસાવવા સંમત થયા. PMOએ કહ્યું કે, ‘બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વાત કરી. પીએમ મોદીએ 2024માં બ્રિક્સ અધ્યક્ષપદ માટે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને શુભેચ્છા પાઠવી હતી અને ભારતના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી. બંને નેતાઓ ભવિષ્યમાં પણ સંપર્કમાં રહેવા સંમત થયા છે. યુક્રેન યુદ્ધની શરૂઆતથી બંને નેતાઓએ એકબીજાના દેશોની મુલાકાત લીધી નથી પરંતુ ફોન પર ઘણી વખત વાત કરી છે. ગયા મહિને જ વિદેશ મંત્રી જયશંકર ભારત અને રશિયા વચ્ચેની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે મોસ્કો ગયા હતા.


