વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોર્ડન પ્રવાસે છે. બંને દેશોના સંબંધને ઉજાગર કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા પોતે ગાડી ચલાવીને પીએમ મોદીને અમ્માનના જોર્ડન મ્યુઝિયમ લઇ ગયા.આ ભારત-જોર્ડનના મજબૂત સંબંધ અને પરસ્પર સમ્માનનુ પ્રતીક છે.
કાર ચલાવીને પોતે મ્યુઝિયમ સુધી લઇ ગયા ક્રાઉન પ્રિન્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જોર્ડન પ્રવાસના બીજા દિવસે, મંગળવારે એક ખાસ ક્ષણ જોવા મળી. જોર્ડનના ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા દ્વિતીયે પોતે કાર ચલાવીને પ્રધાનમંત્રી મોદીને અમ્માન જોર્ડન મ્યુઝિયમ સુધી લઈ ગયા. ક્રાઉન પ્રિન્સ દ્વારા પોતે કાર ચલાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મ્યુઝિયમ લઈ જવાનું પગલું ભારત અને જોર્ડન વચ્ચેના મજબૂત અને આત્મિય સંબંધોને દર્શાવે છે. ક્રાઉન પ્રિન્સ અલ હુસૈનને પયગંબર મહંમદની 42મી પેઢીના વંશજ માનવામાં આવે છે. તેમનો આ પગલું બંને દેશો વચ્ચેના પરસ્પર સન્માન અને વિશ્વાસને વધુ મજબૂત બનાવે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે જોર્ડનની રાજધાની અંમાન પહોંચ્યા હતા. તેઓ જોર્ડનના રાજા અબ્દુલ્લા દ્વિતીયના આમંત્રણ પર બે દિવસીય પ્રવાસે છે. જોર્ડન, પ્રધાનમંત્રી મોદીની ચાર દિવસની ત્રણ દેશોની યાત્રાનો પહેલો પડાવ છે. ત્યારબાદ તેઓ ઇથોપિયા જવા રવાના થયા છે. બાદમાં તેઓ ઓમાન પણ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોર્ડન મ્યુઝિયમની મુલાકાત લીધી
આ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અંમાનના રાસ અલ-એઇન વિસ્તારમાં આવેલા જોર્ડન મ્યુઝિયમની પણ મુલાકાત લીધી. આ જોર્ડનનું સૌથી મોટું મ્યુઝિયમ છે, જ્યાં દેશના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક અને પુરાતાત્વિક અવશેષો સાચવી રાખવામાં આવ્યા છે. વર્ષ 2014માં બનેલા આ મ્યુઝિયમમાં પ્રાગૈતિહાસિક સમયથી લઈને આધુનિક સમય સુધીની સભ્યતાની ઝલક જોવા મળે છે. અહીં 15 લાખ વર્ષ જૂના પ્રાણીઓની હાડકાં અને 9 હજાર વર્ષ જૂની ઐન ગઝાલની ચૂનાથી બનેલી મૂર્તિઓ પણ હાજર છે, જેને દુનિયાની સૌથી પ્રાચીન મૂર્તિઓમાં ગણવામાં આવે છે.


