વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે રવાના થઈ ગયા છે. આ પહેલા તેઓ અત્યાર સુધીમાં આઠ વખત અમેરિકા જઈ ચૂક્યા છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, PM મોદી આજથી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે રહેશે. આ દરમિયાન, તેઓ ક્વાડ નેતાઓની ચોથી સમિટમાં ભાગ લેશે, જે આજે વિલ્મિંગ્ટન, ડેલવેરમાં યોજાશે. આ સમિટનું આયોજન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન કરશે.
PM મોદીએ X પર કરી પોસ્ટ
અમેરિકા પ્રવાસ માટે રવાના થયા બાદ PM મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બાઈડનના વતન વિલ્મિંગ્ટનમાં આયોજિત ક્વાડ સમિટમાં ભાગ લેવા અને ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાવિ સમિટને સંબોધવા માટે અમેરિકાની ત્રણ દિવસની મુલાકાતે જઈ રહ્યા છે.
પીએમ મોદી ક્વાડ સમિટમાં લેશે ભાગ
પીએમ મોદીએ આગળ લખ્યું કે તેઓ ક્વાડ સમિટ માટે તેમના સાથીદારો રાષ્ટ્રપતિ બિડેન, વડાપ્રધાન અલ્બેનીઝ અને વડાપ્રધાન કિશિદા સાથે જોડાવા માટે ઉત્સુક છે. આ ફોરમ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે કામ કરતા સમાન વિચારધારાના દેશોના અગ્રણી જૂથ તરીકે ઉભરી આવ્યું છે.
જો બાઈડન સાથે કરશે મુલાકાત
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ બાઈડન સાથેની મારી મુલાકાત અમને અમારા લોકો અને વૈશ્વિક સુખાકારી માટે ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે નવા રસ્તાઓની સમીક્ષા કરવા અને ઓળખવાની મંજૂરી આપશે. PM મોદીએ કહ્યું કે તેઓ ભારતીય ડાયસ્પોરા અને મહત્વના યુએસ બિઝનેસ લીડર્સ સાથે જોડાવા માટે આતુર છે, જેઓ મુખ્ય હિસ્સેદારો છે અને વિશ્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહી વચ્ચેની અનન્ય ભાગીદારીમાં જીવંતતા લાવે છે.


