- UAEના પ્રવાસે પીએમ મોદીએ આજે વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટને કર્યું સંબોધન
- 27 એકરમાં બનાવવામાં આવેલ BAPS હિન્દુ મંદિરનું આજે થયું ઉદ્ઘાટન
- આ મંદિર માટે BAPS સંસ્થાને UAE સરકારે દાનમાં આપી 27 એકર જમીન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે મંત્રોચ્ચાર વચ્ચે અબુધાબીના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ BAPS મંદિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પૂજા વિધિમાં ભાગ લીધો હતો. વડાપ્રધાન મોદીએ ‘ગ્લોબલ આરતી’માં પણ ભાગ લીધો હતો, જે બોચાસણ સ્થિત શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા સમગ્ર વિશ્વમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 1200 થી વધુ મંદિરોમાં એક સાથે આયોજિત કરવામાં આવી હતી. આ પહેલા, પીએમ મોદી અહીંના પ્રથમ હિંદુ મંદિરના નિર્માણમાં યોગદાન આપનારા વિવિધ સમુદાયના લોકોને મળ્યા હતા.
છેલ્લા કેટલાય સમયથી હરિભક્તિ રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે UAEના પ્રથમ ભવ્ય સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું. પીએમ મોદીએ આ કહ્યું કે આજે આજે અબુધાબીમાં BAPSના ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આમાં ભગવાન સ્વામીનારાયણનો આશિર્વાદ છે. પીએમ મોદીએ વધુમાં ઉમેર્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ અને મારો સબંધ પિતા – પુત્ર જેવા હતા. જીવનમાં લાંબા સમય સુધી માંને તેમના આશીર્વાદ મળતા રહ્યા. સ્પષ્ટ શબ્દોમાં તેમણે હંમેશા માંને માર્ગદર્શન આપ્યું.
દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે 27 એકર વિસ્તારમાં લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે મંદિર બનાવવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન પહેલાં, વડાપ્રધાને મંદિરમાં કૃત્રિમ રીતે બનાવેલી ગંગા અને યમુના નદીઓને પાણી પણ અર્પણ કર્યું હતું. જણાવી દઈએ કે મંદિરના નિર્માણમાં કોઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો નથી અને ફાઉન્ડેશન ભરવા માટે, કોંક્રિટ મિશ્રણમાં 55 ટકા સિમેન્ટની જગ્યાએ ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
પ્રમુખ સ્વામીજીનો દિવ્ય આત્મા પ્રસન્નતાની અનુભૂતિ કરતો હશે
આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજે સંયુક્ત આરબ અમીરાતની ધરતીએ માનવ ઈતિહાસનો નવો સુવર્ણ અધ્યાય લખ્યો છે. આજે અબુધાબીમાં એક ભવ્ય અને દિવ્ય મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. આ ક્ષણ માટે વર્ષોની મહેનત લાગેલી છે. વર્ષો જૂનું સ્વપ્ન સાકાર છે. ભગવાન સ્વામી નારાયણના આશીર્વાદ તેની સાથે જોડાયેલા છે. આજે, પ્રમુખ સ્વામીજી દિવ્ય જગતમાં જ્યાં પણ છે, ત્યાં તેમનો આત્મા પ્રસન્નતાની અનુભૂતિ કરતો હશે.
‘મંદિર વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે’: PM મોદી
અબુધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ PM મોદીએ કહ્યું કે વસંત પંચમીનો તહેવાર માતા સરસ્વતીનો તહેવાર છે. મને આશા છે કે મંદિર વધુ સારા ભવિષ્ય માટે વસંતનું સ્વાગત કરશે. મંદિર વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે. ભારત અને UAE વચ્ચેની મિત્રતાને સમગ્ર વિશ્વમાં વિશ્વાસના રૂપ તરીકે જોવામાં આવે છે. ભારત તેના સંબંધોને માત્ર વર્તમાન સંદર્ભમાં જોતું નથી. તેના મૂળ સેંકડો વર્ષ જૂના છે. અબુ ધાબીમાં બનેલું પહેલું હિંદુ મંદિર સહિયારા વારસાનું પ્રતીક છે.
આ ભારતના અમૃતકાળ સમય: પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું કે આ ભારતના અમૃતકાળનો સમય છે. આ આપણી આસ્થા અને સંસ્કૃતિ માટે અમૃતકાળનો સમય પણ છે. ગયા મહિને જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું વર્ષો જૂનું સપનું પૂરું થયું. રામલલા પોતાના ભવનમાં બિરાજમાન થયા છે. આખું ભારત અને દરેક ભારતીય આજે પણ એ પ્રેમની લાગણીમાં ડૂબેલો છે. આજે અબુધાબીમાં મળેલી ખુશીની લહેરથી અયોધ્યામાં અમારો અપાર આનંદ વધુ વધાર્યો છે. આ મારું સૌભાગ્ય છે કે હું પહેલા અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિરનો અને પછી અબુધાબીમાં આ મંદિરનો સાક્ષી રહ્યો છું.
‘સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે મંદિર’
પીએમ મોદીએ કહ્યું કે આજે વસંત પંચમીનો પવિત્ર તહેવાર પણ છે. વસંત પંચમી એ માતા સરસ્વતીનો તહેવાર છે. માતા સરસ્વતી એટલે બુદ્ધિ અને વિવેક, માનવીય પ્રજ્ઞા અને ચેતનાની દેવી! માનવીય બુદ્ધિમત્તાએ જ આપણને જીવનમાં સહકાર, સંપ, સમન્વય અને સંવાદિતા જેવા આદર્શોને અમલમાં મૂકવાની સમજ આપી છે. હું આશા રાખું છું કે આ મંદિર માનવતાના સારા ભવિષ્યની વસંતનું પણ સ્વાગત કરશે. આ મંદિર સમગ્ર વિશ્વ માટે સાંપ્રદાયિક સૌહાર્દ અને વૈશ્વિક એકતાનું પ્રતિક બનશે.
‘ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક પ્રકરણ ઉમેરાયું’
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અત્યાર સુધી UAE જે બુર્જ ખલીફા, ફ્યુચર મ્યુઝિયમ, શેખ ઝાયેદ મસ્જિદ અને અન્ય હાઈટેક ઈમારતો માટે જાણીતું હતું, હવે તેની ઓળખમાં વધુ એક સાંસ્કૃતિક પ્રકરણ ઉમેરાયું છે. મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો આવશે. આનાથી UAE આવનારા લોકોની સંખ્યામાં પણ વધારો થશે અને લોકો વચ્ચેનો સંપર્ક પણ વધશે.
મંદિરમાં કુરાનની વાર્તાઓ પણ કોતરવામાં
પીએમ મોદીએ કહ્યું કે અબુ ધાબીમાં બનેલું મંદિર વિવિધતામાં વિશ્વાસ દર્શાવે છે. BAPSના આ ભવ્ય મંદિરમાં હિંદુ ધર્મની સાથે સાથે કુરાનની વાર્તાઓ પણ મંદિરની દિવાલો પર કોતરેલી છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે ભગવાને મને જે સમય આપ્યો છે તેની દરેક ક્ષણ અને શરીરનો કણ-કણ જે ભગવાને મને આપ્યો છે તે માત્ર ભારત માતા માટે છે. દેશના 140 કરોડ લોકો મારા પૂજનીય દેવતા છે.
‘અમે વિવિધતાને અમારી વિશેષતા તરીકે જોઈએ છીએ’
પીએમ મોદીએ કહ્યું કે ભગવાને મને જે સમય આપ્યો છે તેની દરેક ક્ષણ અને શરીરનો દરેક કણ જે ભગવાને મને આપ્યો છે તે માત્ર માં ભારત માટે છે. 140 કરોડ દેશવાસીઓ મારા પૂજનીય દેવો છે. અમે વિવિધતામાં દ્વેષ નથી જોતા, અમે વિવિધતાને અમારી વિશેષતા માનીએ છીએ! તેમણે કહ્યું કે આપણી સંસ્કૃતિ અને આપણી શ્રદ્ધા આપણને વિશ્વના કલ્યાણ માટે આ સંકલ્પો લેવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારત ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’ના મંત્ર પર આ દિશામાં કામ કરી રહ્યું છે. મને વિશ્વાસ છે કે અબુ ધાબી મંદિરની માનવતાવાદી પ્રેરણા અમારા સંકલ્પોને ઉત્સાહિત કરશે અને તેને સાકાર કરશે.
વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન
અબુધાબીના BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ હાજર જનમેદનીને સંબોધન કર્યું. પીએમ મોદીએ કહ્યું કે UAEએ એક સુવર્ણ પ્રકરણ લખ્યું છે. મંદિરના ઉદ્ઘાટનમાં વર્ષોની મહેનત લાગી છે અને મંદિર સાથે અનેક લોકોના સપના જોડાયેલા છે. સ્વામિનારાયણના આશીર્વાદ પણ જોડાયેલા છે. અબુધાબીમાં બનેલા પહેલા હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને ભારતીયોના દિલ જીતી લીધા.
PM મોદીએ કર્યું અબુધાબીના BAPS મંદિરનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબી ખાતે 27 એકરમાં નિર્માણ પામેલ BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ ભારતની 7 પવિત્ર નદીઓના જળનો અભિષેક કર્યા બાદ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આજે વસંત પંચમીના દિવસે મહંત સ્વામી મહારાજ સહિત ગુરુજનોની હાજરીમાં વડાપ્રધાન મોદીએ UAEના ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.
PM મોદીએ અનોખી રીતે આપ્યો વસુધૈવ કુટુંબકમનો સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAEના અબુધાબી ખાતે નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યા ભગવાન સ્વામિનારાયણની પ્રતિમાના દર્શન કર્યા હતા. દર્શન બાદ પીએમ મોદીએ સમગ્ર મંદિરના દર્શન કરીને બેનમૂન નકકાશી કામ નિહાળી હતી. બાદમાં, પીએમ મોદીએ ખૂબ હથોડી અને ટાંકળી લઈને શિલ્પકારી પર હાથ અજમાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિલ્પકારી કરીને અનોખી સંદેશ પાઠવ્યો હતો. તેમણે જે શિલ્પ પર પ્રતીકાત્મક શિલ્પકારી કરી હતી તેના પર વસુધૈવ કુટુંબકમ લખેલું હતું. આમ પીએમ મોદીએ સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુંબકમનો સંદેશ આપ્યો.
પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન બાદ ગ્લોબલ આરતીમાં જોડાયું આખું વિશ્વ
ઉદ્ઘાટન બાદ વિશ્વભરમાં એક સાથે ગ્લોબલ આરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં, દિલ્હી અક્ષરધામ, મુંબઈ, નાગપુર, કોલકાતા, અમદાવાદ, જાલંધર, જયપુર, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, ચેન્નાઈ, ઓસ્ટ્રેલીયા, ચીન, જાપાન, સિંગાપોર, ઓસાનિયા, ન્યુઝીલેન્ડ, અમેરિકાના લોસ એન્જલિસ, ફોનિક્સ, ડલાસ ટેક્સાસ, હ્યુસ્ટન, શિકાગો, ડેટ્રોઇટ, વોશિંગ્ટન ડીસી, રૉબિન્સવિલે, એટલાન્ટા, રેલિઘ, સાસ્કાટૂન, ટોરેન્ટો, UKના લંડન અને લેસિસ્ટર, પોર્ટુગલ, ફ્રાંસ, જર્મની, ઑસ્ટ્રિયા, દક્ષિણ આફ્રિકા, બોત્સવના, ઝામ્બિયા, કેન્યા, ટાન્ઝાનિયા, યુગાન્ડા, સહિત વિશ્વના અનેક શહેરોમાં આરતી કરવામાં આવી.


