- ભારત-રશિયાની 22મી વાર્ષિક સમિટ
- સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું
- પુતિન પીએમ મોદીની મુલાકાતને લઈને ઉત્સાહિત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે 2 દિવસ રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે પીએમ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પીએમ મોદીની મુલાકાતને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને પીએમની આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કેવું હશે પીએમ મોદીનું શેડ્યૂલ?
વડાપ્રધાન મોદી સવારે 10.55 કલાકે મોસ્કો જવા રવાના થશે. તેમનું પ્લેન સાંજે 5:20 વાગ્યે વનુકોવો 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે. ત્યારબાદ તેમની અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે રાત્રે 9:30 થી 11:30 સુધી ખાનગી મુલાકાત થશે. આ પછી રાત્રિભોજનનું આયોજન કરવામાં આવશે.
કયા વિષય પર થઈ શકે ચર્ચા?
કોરોના પછી વડાપ્રધાન પહેલી વખત રશિયા જઈ રહ્યા છે. આના પહેલા 2019માં પીએમ મોદી રશિયાની મુલાકાતે ગયા હતા અને ત્યારબાદ હવે 2024માં પીએમ મોદી 2 દિવસ રશિયાની મુલાકાતે જઈ રહ્યા છે. ત્યારે આ મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વાતચીત થઈ શકે છે. મળતી માહિતી અનુસાર, આ મુલાકાત દરમિયાન નેતાઓ વચ્ચે રશિયા-યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા થઈ શકે છે. ભારત દ્વારા ઘણી વખત આ બંને દેશોને શાંતિની અપીલ કરવામાં આવી છે. સાથે જ બંને દેશોને તેમના વિવાદિત મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતનો માર્ગ અપનાવવા પણ વિનંતી કરી છે.
પીએમ મોદી અને પુટીન વચ્ચે ખાનગી બેઠક
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ખાનગી બેઠક કરવામાં આવશે. આ સાથે જ પ્રતિનિધિમંડળ સ્તરની પણ વાતચીત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પુતિન વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળ માટે લંચનું આયોજન કરશે. જે બાદ વડાપ્રધાન એક પ્રદર્શન કેન્દ્રની પણ મુલાકાત લેશે.


