- નવા સંસદ ભવનની કેન્ટીનમાં જુદા-જુદા સાંસદો સાથે લંચ
- દરમિયાન પીએમ મોદીએ પોતાના અનુભવો સાંસદો સાથે શેર કર્યા
- સાંજે 6 વાગ્યા બાદ ભોજન નથી લેતા વડાપ્રધાન મોદી: સાંસદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે 9 ફેબ્રુઆરીના રોજ નવા સંસદ ભવનની કેન્ટીનમાં જુદા-જુદા સાંસદો સાથે લંચ કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના અનુભવો સાંસદો સાથે શેર કર્યા હતા.
આ દરમિયાન પીએમ મોદી સાથે લંચ કરનાર સાંસદ અને કેન્દ્રીય મંત્રી એલ મુરુગને મોટો દાવો કર્યો છે. લંચ બાદ મીડિયા સાથે વાત કરતા મુરુગને કહ્યું, “આજનો દિવસ ખાસ હતો. આઠ સાંસદોને પીએમ મોદી સાથે લંચ કરવાનો મોકો મળ્યો. સાંસદો વિવિધ પક્ષોના હતા. આ દરમિયાન પીએમ મોદીએ પોતાની દિનચર્યા વિશે વાત કરતા કહ્યું કે તેઓ માત્ર 3.30 કલાક જ ઊંઘે છે.
એલ મુરુગને વધુમાં કહ્યું કે પીએમ મોદીએ કહ્યું કે તેઓ સાંજે છ વાગ્યા પછી ભોજન નથી કરતા. અમારા ભોજનમાં પનીરનું શાક, દાળ, ભાત, ખીચડી અને તલની મીઠાઈઓ હતી. લંચ બાદ પીએમ મોદીએ બિલ આપ્યું હતું.
વાસ્તવમાં, પીએમ મોદી સાથે લંચ કરનારાઓમાં બીજુ જનતા દળના સસ્મિત પાત્રા, રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટીના એનકે પ્રેમચંદ્રન, તેલુગુ દેશમ પાર્ટીના રામ મોહન નાયડુ, બહુજન સમાજ પાર્ટીના રિતેશ પાંડે અને હીના ગાવિત સહિતના કેટલાક બીજેપી નેતાઓ સામેલ હતા.
શું કહ્યું પીએમ મોદીએ?
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા ટ્વિટર પર એક ટ્વિટ કરતાં કહ્યું હતું કે, “બપોરે અદ્ભુત ભોજનનો આનંદ માણ્યો. વિવિધ પક્ષો અને ભારતના વિવિધ ભાગોના સંસદીય સાથીઓએ તેને વધુ સારું બનાવ્યું. તેમનો આભાર.”
આ સાથે પીએમએ લંચ દરમિયાન કેટલીક તસવીરો પણ શેર કરી હતી. સંસદનું શિયાળુ સત્ર શનિવારે 10 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. જણાવી દઈએ કે એપ્રિલ-મેમાં સંભવિત લોકસભા ચૂંટણી પહેલા સંસદનું આ છેલ્લું સત્ર છે.


