- જશ્નની તૈયારી ઘોર પરાજયને કારણે ગ્લાનિમાં પલટાઈ ગઈ
- ઑસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમ અને વડા પ્રધાન મોદી મોડી સાંજે સ્ટેડિયમમાં આવ્યા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેડિયમમાં વહેલા આવી શક્યા ન હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં બેઠક ક્ષમતાની દૃષ્ટિએ સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ ખાતે ઑસ્ટ્રેલિયન ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર રિચર્ડ માર્લ્સના સાંનિધ્યમાં વર્લ્ડ કપની યાદગાર ફાઇનલ મેચનો નજારો માણ્યો હતો. મોદી અને માર્લ્સએ હેરિટેજ સિટી અમદાવાદમાં પગ તો સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં મૂક્યો હતો, પણ બંનેએ મેચના આખરી તબક્કામાં સ્ટેડિયમમાં આવવાનું પસંદ કર્યું હતું. જો કે આ બંને મહાનુભાવોએ લગભગ સાડા આઠે સ્ટેડિયમમાં દેખા દીધી ત્યારે ભારતીય ટીમ હારની કગાર તરફ ઢસડાતી હોવાથી સ્ટેડિયમમાં ખૂબ મોંઘી ટિકિટ લઈને આવેલા ક્રિકેટપ્રેમીઓમાં ભારે નિરાશા છવાયેલી હતી. અંતે ચાર વિકેટે ઑસ્ટ્રેલિયાએ જીતનું લક્ષ્ય પાર પાડયું હતું.
મોદીએ અમદાવાદ ઍરપોર્ટ ઉપર ઉતરાણ પછી લગભગ ત્રણ કલાક સુધી રાજભવનમાં રહેવાનું પસંદ કર્યું હતું, જેને કારણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેડિયમમાં વહેલા આવી શક્યા ન હતા.
ઑસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ રાજધાની કેનબેરાથી સીધા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ ઍરપોર્ટ ઉપર આવ્યા હતા એ જ રીતે પરત ચાલ્યા ગયા હતા. જ્યારે વડાપ્રધાન મોદીએ રાતવાસો રાજભવનમાં ગાળી સવારે ગુજરાત છોડવાનું પસંદ કર્યું હતું.
મોદી જ્યારે સવા પાંચ વાગે અમદાવાદ ઍરપોર્ટ ઉપર ઊતર્યા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી, ગવર્નર દેવવ્રત આચાર્ય, મુખ્ય સચિવ રાજકુમારે તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. એ જ રીતે ઑસ્ટ્રેલિયન ડેપ્યુટી પીએમના આગમન અને પ્રસ્થાન વખતે પ્રોટોકોલ મુજબ એમનું સન્માન કરાયું હતું. પીએમ મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્ય સચિવ સહિતના નેતાઓ સાથે સ્ટેડિયમમાં બેઠક યોજી હોવાનું જાણવા મળ્યું છે.


