વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અનેક રેલવે પ્રોજેક્ટની ભેટ નાગરિકોને આપશે. PM મોદી સોમવારે બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રદેશમાં કનેક્ટિવિટીને વધુ વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેતા વડાપ્રધાન નવા જમ્મુ રેલ્વે વિભાગનું ઉદ્ઘાટન કરશે.
વડાપ્રધાન રાયગઢ રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે
આ સાથે જ વડાપ્રધાન તેલંગાણામાં ચારલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનનું ઉદ્ઘાટન પણ કરશે અને પૂર્વ તટ રેલવેના રાયગઢ રેલવે ડિવિઝન બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે. ભોગપુર સિરવાલ-પઠાણકોટ, પઠાણકોટ-જમ્મુ-ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા, બટાલા-પઠાણકોટ અને પઠાણકોટથી જોગીન્દર નગર વિભાગો સમાવિષ્ટ 742.1 કિલોમીટર લાંબા જમ્મુ રેલ્વે વિભાગના નિર્માણથી જમ્મુ અને કાશ્મીર અને આસપાસના વિસ્તારોને ઘણો ફાયદો થશે.
413 કરોડના ખર્ચે તેલંગાણામાં કોચિંગ ટર્મિનલ બનાવવામાં આવ્યું
સૂત્રોનું કહેવું છે કે આ રેલ્વે પ્રોજેક્ટ લોકોની લાંબા સમયથી પડતર માગણીઓને પૂર્ણ કરશે અને ભારતના અન્ય ભાગો સાથે કનેક્ટિવિટીમાં સુધારો કરશે. આનાથી રોજગારીની તકો પણ ઉભી થશે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થશે, પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને વિસ્તારમાં સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. તેલંગાણાના મેડચલ-મલકાજગીરી જિલ્લામાં ચારલાપલ્લી ન્યૂ ટર્મિનલ સ્ટેશનને લગભગ રૂપિયા 413 કરોડના ખર્ચે નવા કોચિંગ ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ ઈકો-ફ્રેન્ડલી ટર્મિનલમાં સારી પેસેન્જર સુવિધાઓ છે, જે સિકંદરાબાદ, હૈદરાબાદ અને કાચેગુડા જેવા શહેરમાં હાલના કોચિંગ ટર્મિનલ પર ભીડ ઘટાડશે.
રાયગઢ રેલવે ડિવિઝનની ઈમારતનો શિલાન્યાસ કરશે
વડાપ્રધાન ઈસ્ટ કોસ્ટ રેલ્વેના રાયગઢ રેલ્વે ડિવિઝન ઈમારતનો શિલાન્યાસ કરશે. આનાથી ઓડિશા, આંધ્રપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે અને પ્રદેશના એકંદર સામાજિક-આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે. તમને જણાવી દઈએ કે PM નરેન્દ્ર મોદીએ રવિવારે દિલ્હીમાં લગભગ 12,200 કરોડ રૂપિયાની યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. નમો ભારત ટ્રેન દિલ્હી પહોંચી ગઈ છે અને મેરઠથી દિલ્હીની મુસાફરી સરળ બની ગઈ છે. આ પ્રસંગે વડાપ્રધાને સાહિબાબાદ આરઆરટીએસ સ્ટેશનથી ન્યુ અશોક નગર આરઆરટીએસ સ્ટેશન સુધી નમો ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી.