- CM પટેલે આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી
- ગાંધી આશ્રમની મુલાકાત લઈને તૈયારીની કરી સમીક્ષા
- પીએમના હસ્તે 1200 કરોડના ખર્ચે આશ્રમનો પુન:વિકાસ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગાંધી આશ્રમ મુલાકાત પહેલા સીએમ અહીં મુલાકાતે પહોંચ્યા છે. તેઓએ આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમ સ્થળની મુલાકાત લીધી અને સાથે જ તમામ તૈયારીઓની પણ જાણકારી મેળવી. ઉલ્લેખનીય છે કે 1200 કરોડના ખર્ચે આશ્રમનો પુન:વિકાસ થશે.
PM મોદી ફરી આવશે ગુજરાતના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મંગળવારે, 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસ નિમિત્તે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ કાર્યક્રમમાં સામેલ થશે અને ‘મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ’નો શુભારંભ કરશે. આ આશ્રમ આઝાદીની ચળવળ દરમિયાન ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાનો સાક્ષી રહ્યો છે, સાથે જ આ આશ્રમ ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો પણ સાક્ષી રહ્યો છે. ‘આશ્રમભૂમિ વંદના’ ના આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે.
કેવો રહેશે પીએમ મોદીનો કાર્યક્રમ
આવતીકાલે એક દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને પછી સવારે 10 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. PM મોદી આશ્રમ ભૂમિ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને કોચરબ આશ્રમને ખુલ્લો મુકશે. ગાંધી આશ્રમ સ્મારકના માસ્ટર પ્લાનનું લોકાર્પણ કરશે. ગુજરાત-રાજસ્થાનની વિકાસલક્ષી યોજનાની ભેટ આપશે. આ ઉપરાંત 10 નવી વંદે ભારત ટ્રેનનું પ્રસ્થાન કરાવશે. અમદાવાદ – મુંબઈ વંદે ભારતનું ફ્લેગ ઓફ પણ કરાવશે. અમદાવાદ અને જામનગર વંદે ભારત દ્વારકા સુધી દોડશે. સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી ફ્લેગ ઓફ કરાવશે. ફ્લેગ ઓફ ઉપરાંત 13 સ્થળો પર ઈ લોકાર્પણ – ખાતમુહૂર્ત પણ કરશે. રેલવે સ્ટેશનો પર 50 જેટલા જન ઔષધિ કેન્દ્ર શરૂ થશે અને સાથે વન સ્ટેશન વન ઉત્પાદન આઉટલેટો ખુલ્લા મુકાશે. PM મોદી નવા કંટ્રોલ સેન્ટરની પણ મુલાકાત લેશે.
સાબરમતી આશ્રમ: ભારતીય ઇતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આ આશ્રમનો પાયો નાખ્યો હતો. ભારતીય ઇતિહાસના એક મહત્વપૂર્ણ અધ્યાય તરીકે સાબરમતી આશ્રમ આઝાદીની ચળવળનું એક મુખ્ય કેન્દ્ર રહ્યો છે. આ સ્થળની સાદગી અને પવિત્રતાને જોઇને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે અડધી દુનિયા પર રાજ કરનારા અંગ્રેજોને ભારત છોડવા માટે મજબૂર કરી દેનારા એક સામાન્ય વ્યક્તિએ આ જ સ્થળેથી આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા.


