- વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા જ કલાકોમાં યુક્રેન પહોંચશે
- પીએમ મોદી કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરશે મુલાકાત
- યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ચર્ચા કરવામાં આવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય યુક્રેનની મુલાકાતે જઈ રહ્યા છે. તે થોડા કલાકોમાં યુક્રેન પણ પહોંચવાનો છે. તેમના યુરોપ પ્રવાસના બીજા તબક્કામાં તેઓ યુક્રેનની રાજધાની કીવ પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળવાના છે. પીએમ મોદીએ પોલેન્ડથી ટ્રેન મારફતે કીવ પહોંચવાના છે. પીએમ મોદીએ યુક્રેનની મુલાકાતના છ અઠવાડિયા પહેલા જ રશિયાની મુલાકાત લીધી હતી, જેની સાથે કીવ છેલ્લા અઢી વર્ષથી યુદ્ધ લડી રહ્યું છે.
પીએમ મોદીની યુક્રેનની ટૂંકી મુલાકાતને લઈ અનેક સવાલ
પીએમ મોદી કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા માટે યુક્રેનની મુલાકાત લઈ રહ્યા નથી, પરંતુ રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ તેમને કીવ આવવા આમંત્રણ આપ્યું હતું. એરસ્પેસ બંધ થવાને કારણે ટ્રેન દ્વારા કીવ જવું પડે છે. પીએમ મોદીની યુક્રેનની મુલાકાત માત્ર સાત કલાકની છે. આટલી ટૂંકી મુલાકાતને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, પીએમ મોદી યુક્રેનના પ્રવાસે કેમ જઈ રહ્યા છે, તેનો હેતુ શું છે અને કીવની મુલાકાત કેટલી મહત્વપૂર્ણ છે?
યુક્રેન પ્રવાસનું કારણ શું છે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રશિયાની મુલાકાતે ગયા ત્યારે તેમની ટીકા થઈ હતી. યુક્રેન સહિત પશ્ચિમી દેશોએ કહ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશના નેતાની રશિયાની મુલાકાત બિલકુલ યોગ્ય નથી. રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતા આ વાત કહી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે, રશિયા ભારતનું પરંપરાગત મિત્ર રહ્યું છે. આવી સ્થિતિમાં હવે પીએમ મોદી યુક્રેન પહોંચીને કીવ તેમજ પશ્ચિમી દેશોને અપીલ કરવા માગે છે. યુક્રેન યુદ્ધ માટે ભારતે હજુ સુધી રશિયાની નિંદા કરી નથી.
યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચર્ચા કરાશે
ભારત ઇચ્છતું નથી કે રશિયા તેનાથી દૂર જાય અને તે પશ્ચિમી દેશો સાથેના સંબંધો બગાડવા પણ નથી ઇચ્છતું. પીએમ મોદીએ યુક્રેનમાં ઘણી વખત શાંતિની વકાલત કરી છે. તેમની આ મુલાકાત શાંતિ સ્થાપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહી છે. આ કારણે જ યુક્રેન જતાં પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, યુક્રેનના મિત્ર અને ભાગીદાર તરીકે ભારત ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પરત ફરવાની આશા રાખે છે. તેમણે કહ્યું કે, તેઓ ઝેલેન્સ્કી સાથે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે ચર્ચા કરશે.
કેટલી મહત્વપૂર્ણ છે યુક્રેનની મુલાકાત ?
મીડિયા અહેવાલ અનુસાર આઝાદી બાદ ભારતની વિદેશ નીતિમાં યુરોપ ઓછું પ્રાથમિકતા ધરાવતું ક્ષેત્ર રહ્યું છે. ભારતે માત્ર યુરોપના ચાર મોટા દેશો રશિયા, જર્મની, ફ્રાન્સ અને બ્રિટન સાથેના સંબંધો પર વધુ ભાર આપ્યો છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળ્યા બાદ આ વિદેશ નીતિમાં ફેરફાર થયો છે. પીએમ મોદીની યુક્રેન અને પોલેન્ડની મુલાકાત એ યુરોપ સાથેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં લેવાયેલું પગલું છે.
ભારત વિશ્વબંધુ બનવાનો પ્રયાસ
પીએમ મોદીએ બુધવારે ભારતની બિન-જોડાણની નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “દશકોથી ભારતની નીતિ તમામ દેશોથી સમાન અંતર જાળવવાની હતી. આજે ભારતની નીતિ તમામ દેશો સાથે ગાઢ સંબંધો જાળવવાની છે.” ભારત ‘વિશ્વબંધુ’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના માટે તે મધ્ય અને પૂર્વ યુરોપના દેશો સાથે સંબંધો મજબૂત કરી રહ્યું છે. તે રશિયા સાથેના સંબંધો સુધારવાનો પણ પ્રયાસ કરી રહ્યો છે.
ભારત હંમેશાથી શાંતિપ્રિય દેશ રહ્યો
યુક્રેનની મુલાકાત લઈને પીએમ મોદી એ બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, ભારત હંમેશાથી શાંતિપ્રિય દેશ રહ્યો છે. તે શાંતિની હિમાયત કરે છે અને સંઘર્ષનો અંત લાવવા માંગે છે. જો યુક્રેનમાં ભારતને સફળતા મળશે તો વિશ્વ મિત્ર તરીકે તેની છબી વધુ મજબૂત થશે. આવી સ્થિતિમાં પીએમ મોદીની આ મુલાકાતનું મહત્વ વધુ વધી જાય છે. શાંતિનો સીધો અર્થ છે વિશ્વમાં ભારતનું કદ વધારવું.
PM મોદી યુક્રેનમાં શું કરશે?
પીએમ મોદીની યુક્રેન મુલાકાત અંગે અશોકા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધોના સહાયક પ્રોફેસર અમિત જુલ્કાએ કહ્યું કે, ભારત પોતાને શાંતિ નિર્માતા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરશે. આ સાથે બતાવશે કે તે માનવતાવાદી સહાયમાં રોકાયેલું છે. ભારતની અમેરિકા સાથે નિકટતા હોવા છતાં નવી દિલ્હીને લઈ વોશિંગ્ટનના મનમાં શંકા છે. પીએમ મોદીની યુક્રેન મુલાકાત આ શંકા દૂર કરવામાં મદદ કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું ,કે નવી દિલ્હી કીવમાં શાંતિ યોજના જાહેર કરશે નહીં, પરંતુ ભારત શાંતિ કરારની વાટાઘાટોને સમર્થન આપવા તૈયાર છે.
યુક્રેન પ્રવાસ માટે એજન્ડા પર શું છે?
યુક્રેન પર રશિયાના યુદ્ધ સિવાય અન્ય ઘણા મુદ્દાઓ છે જેના પર પીએમ મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ચર્ચા કરશે. ભૂતપૂર્વ રાજદૂત રાજીવ ભાટિયા કહ્યું કે, રક્ષા અને આર્થિક સહયોગની સાથે, યુક્રેનના યુદ્ધ પછીના પુનર્નિર્માણમાં ભારતની ભૂમિકા પર પણ ચર્ચા કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, યુદ્ધ ફાટી નીકળ્યા પછી ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં મદદ કરવા બદલ પીએમ મોદી યુક્રેનની સરકારનો આભાર વ્યક્ત કરી શકે છે. યુક્રેનમાં યુદ્ધ સમયે 19,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણતા હતા.


