અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતનાં પીએમ મોદી અને અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વચ્ચે ગુરુવારે દ્વિપક્ષીય મંત્રણાઓ યોજવામાં આવી હતી. બંને નેતાઓએ સંરક્ષણ સહયોગ, ગ્રીન ઊર્જા, દ્વિપક્ષીય વેપાર સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી હતી. કેટલાક મહત્ત્વના કરાર પણ કરવામાં આવ્યા હતા.
બંને દેશોએ પાંચમી પેઢીના ફાઈટર જેટની ખરીદી અને વેચાણનો મુદ્દો ચર્ચ્યો હતો. આ ઉપરાંત 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડૉલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો. મોદીની મુલાકાતમાં ભારતને શું શું મળ્યું તેનો ચિતાર અહીં આપવામાં આવ્યો છે.
બંને દેશો વચ્ચે સંરક્ષણ ક્ષેત્રે કેટલાક મહત્ત્વના કરાર કરાયા હતા. જેમાં બંને દેશોએ 10 વર્ષનું એક ફ્રેમવર્ક રચવા સંમતિ સાધી હતી. જે હેઠળ બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને વધારે મજબૂત કરાશે. ભારત દ્વારા અમેરિકા પાસેથી જેવલિન એન્ટિ ટેન્ક મિસાઇલ્સ, સ્ટ્રાઇકર આર્મ્ડ લડાયક વાહનો તેમજ P 81 નૌસૈનિકો માટે સર્વેલન્સ વિમાનો ખરીદવામાં આવશે. ઇન્ટરનેશનલ ટ્રાફિક ઈન આર્મ્સ રેગ્યુલેશનની સમીક્ષા કરાશે. ટેક્નોલોજી ટ્રાન્સફર તેમજ સંરક્ષણ ઉપકરણોની સપ્લાય શક્ય બનશે. બંને દેશો રેસિપ્રોકલ ડિફેન્સ માટે સાધનો ખરીદવા સંમત થયા હતા. બંને દેશો એકબીજા પાસેથી મહત્ત્વના સંરક્ષણ સાધનોની ખરીદી અને વેચાણ કરવા સંમત થયા હતા. અંતરિક્ષ, હવાઈ સુરક્ષા, મિસાઇલ્સ, મેરિટાઇમ સુરક્ષા અને દરિયાઈ યુદ્ધ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા કરાર કરાયા હતા. અમેરિકાએ ભારતને પાંચમી પેઢીના ફાઈટર જેટ F-35 વિમાન વેચવા તેની નીતિની સમીક્ષા કરવા તૈયારી દર્શાવી હતી. લોકહીડ માર્ટિને કહ્યું હતું કે અમે બંને દેશોની સાથે મળીને કામ કરીશું. ભારતને F-35 જેવા વિમાનો તેમજ જેવલિન અને હેલિકોપ્ટર્સ વેચવામાં આવશે જેથી ભારતના લશ્કરને સશક્ત બનાવી શકાય.
ભારત અને અમેરિકાએ ઓટોનોમસ સિસ્ટમ ઇન્ડસ્ટ્રી અલાયન્સ (ASIA) સમજૂતી કરી છે જે હેઠળ બંને દેશો દરિયાઈ સહયોગનો વ્યાપ વિસ્તારશે. અંડરવૉટર ડોમેઈન અવેરનેસ હેઠળ સંવેદનશીલ ટેક્નોલોજી વિકસાવાશે. સી પિકેટ સર્વેલન્સ સિસ્ટમ, વેબ ગ્લાઇડર અનમેન્ડ વ્હિકલ, લો ફ્રિકવન્સી એક્ટિવ સોનાર્સ. સહિત અનેક ટેક્નોલોજી વિકસાવાશે.
ઇમિગ્રન્ટસ પર ચર્ચા: બંને નેતાઓએ ઇમિગ્રન્ટસનો મુદ્દો ચર્ચ્યો હતો. જેમાં સંયુક્ત ડિગ્રી, ઓફશોર કેમ્પસ અને સેન્ટર ઓફ એક્સેલન્સીસ પર ચર્ચા કરાઈ હતી. ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટસ તેમજ માનવ તસ્કરી રોકવા સંમતિ સધાઈ હતી. સંગઠિત અપરાધ રોકવા તેમજ ડ્રગ તસ્કરી અને આતંકવાદ ડામવા વાતચીત કરાઈ હતી.
ટેક્નિકલ સહયોગ: બંને દેશો વચ્ચે સરકાર, શિક્ષણ અને ખાનગી ક્ષેત્રે મહત્ત્વની ટેક્નિક પર સહયોગ વધારવા ટ્રાન્સફોર્મીંગ ધ રિલેશનશીપ યુટિલાઇઝિંગ સ્ટ્રેટેજિક ટેક્નોલોજી માટેનો પ્લાન ઘડાશે. AIV ક્ષેત્રે સહયોહ માટે રોડમેપ બનાવાશે. અમેરિકામાં ભારતીય દવાઓનું ઉત્પાદન વધારાશે. નેશનલ સાયન્સ ફાઉન્ડેશન અને ભારતના અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન વચ્ચે ટેક્નિક તેમજ રિસર્ચ સહયોગ વધારાશે.
દ્વિપક્ષીય વેપાર: ભારત-અમેરિકાએ 2030 સુધીમાં બંને દેશો વચ્ચેનો વેપાર 500 અબજ ડૉલર સુધી વિકસાવવાનું નક્કી કર્યું છે.
ઊર્જા: બંને નેતાઓએ ગ્રીન ઊર્જા અંગે વાતચીત કરી હતી જેમાં ઊર્જા સુરક્ષાનો સમાવેશ થાય છે. અમેરિકાએ ભારત માટે આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સીમાં સભ્યપદ માટે ટેકો આપવા સંમતિ દર્શાવી હતી. નાગરિક અણુ કરાર માટે સહયોગ વધારાશે. નાના મોડયૂલર રિએક્ટર્સ વિકસાવવા અને તેનાં ઉત્પાદન માટે બંને દેશોએ સહયોગ સાધવા તૈયારી દર્શાવી હતી.


