વડાપ્રધાન મોદી બે દિવસના માલદીવ પ્રવાસ પર છે. આજે તેમના પ્રવાસનો છેલ્લો દિવસ છે. માલદીવના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભારતના વડાપ્રધાને મુખ્ય મહેમાન તરીકે ભાગ લીધો છે. રાજધાની માલેના પ્રતિષ્ઠિત ‘રિપબ્લિક સ્ક્વાયર’માં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદી માલદીવના રાષ્ટ્રપતિ ડો.મોહમ્મદ મુઈજ્જુ સાથે ઉભા રહેલા જોવા મળ્યા.
વડાપ્રધાન મોદીએ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર શુભકામનાઓ આપી
વડાપ્રધાન મોદીએ તેમના 2 દિવસના પ્રવાસ દરમિયાન ઘણા નેતાઓ સાથે મુલાકાત કરી છે. જેમાં ઉપરાષ્ટ્રપતિ ઉજ હુસૈન મોહમ્મદ લતીફ અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ પણ સામેલ છે. ઉપરાષ્ટ્રપતિ લતીફ અને વડાપ્રધાન મોદીની વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, જળવાયુ પરિવર્તન, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સહયોગ પર ચર્ચા કરવામાં આવી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે ‘અમારો દેશ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, ઊર્જા અને અન્ય ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરી રહ્યો છે આ આપણા લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. અમે આ ભાગીદારીને આગળ વધુ મજબૂત કરવા ઈચ્છીએ છે.’ વડાપ્રધાન મોદીએ માલદીવની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ પર શુભકામનાઓ આપી.
PMએ માલદીવને 4,850 કરોડ રૂપિયાની ક્રેડિટ લાઈન આપવાની જાહેરાત કરી
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે વડાપ્રધાનના આ બે દિવસના પ્રવાસ દરમિયાન બંને પક્ષોએ ભારત-માલદીવના ગાઢ અને ખાસ સંબંધો પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ લતીફે મુશ્કેલીના સમયમાં ભારત તરફથી કરવામાં આવેલી મદદ માટે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. તમને જણાવી દઈએ કે શુક્રવારે વડાપ્રધાન મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ સાથે વિસ્તારથી વાતચીત કરી અને માલદીવને 4,850 કરોડ રૂપિયાની ક્રેડિટ લાઈન આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ માલદીવમાં વસેલા ભારતીય સમુદાય સાથે મુલાકાત કરી અને તેમના યોગદાનની સરાહના કરી. તેમને કહ્યું આ કેવી રીતે ભારતીય સમુદાય માલદીવની પ્રગતિમાં યોગદાન આપી રહ્યું છે અને સાથે ભારત સાથે પણ જોડાયેલું છે. તેમને કહ્યું કે ભારતીય પ્રવાસી દુનિયા અને ભારતની વચ્ચે એક મજબૂત સેતુ બનેલો છે. અમને અમારા પ્રવાસી ભારતીયો પર ગર્વ છે.