- 30 ડિસેમ્બરે સવારે વડાપ્રધાન કરશે અયોધ્યા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન
- અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનને આપશે લીલી ઝંડી
- બપોરે કરશે નવનિર્મિત અયોધ્યા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અયોધ્યાની મુલાકાતે આવી રહ્યા છે. આયોધ્યાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પુનઃવિકસિત રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે, નવી અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે તો સાથે સાથે નવ નિર્મિત અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા આ અંગે એક નિવેદન જાહેર કરીને માહિતી આપવામાં આવી છે.
PMOએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યાની મુલાકાત કરશે, તેઓ સવારે 11.15 કલાકે રિડેવલપ કરવામાં આવેલ રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે, નવી અમૃત ભારત ટ્રેન અને વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવશે. તેઓ અન્ય કેટલીક રેલવે પરિયોજનાઓ પણ દેશને સમર્પિત કરશે. બપોરે લગભગ 12.15 કલાકે પીએમ મોદી નવનિર્મિત અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.”
અનેક વિકાસકાર્યોનું કરશે ઉદ્ઘાટન
ત્યારબાદ, વડાપ્રધાન એક જાહેર કાર્યક્રમમાં ભાગ લેશે જ્યાં તેઓ રાજ્યમાં રૂ. 15,700 કરોડથી વધુની અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરશે. જેમાં, અયોધ્યા અને તેની આસપાસના વિસ્તારોના વિકાસ માટે આશરે રૂ. 11,100 કરોડના પ્રોજેક્ટ્સ અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય પ્રોજેક્ટ સાથે સંબંધિત રૂ. 4600 કરોડના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
PMO તરફથી જણાવવામાં આવ્યું છે કે, “વડાપ્રધાનનું વિઝન અયોધ્યામાં આધુનિક વિશ્વ-સ્તરીય માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું, કનેક્ટિવિટી વધારવાનું અને શહેરના સમૃદ્ધ ઇતિહાસ અને વારસાને અનુરૂપ નાગરિક સુવિધાઓ પ્રદાન કરવાનું છે.”
6500 વર્ગમીટરનો એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર
લોકોની ભીડને ધ્યાનમાં રાખીને શહેરમાં નવું એરપોર્ટ, પુનઃવિકસિત રેલ્વે સ્ટેશન, નવા રસ્તાઓ અને અન્ય નાગરિક માળખાકીય સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. PMOએ કહ્યું છે કે આ સિવાય ઘણી નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કરવામાં આવશે જે અયોધ્યા અને તેની આસપાસની નાગરિક સુવિધાઓના બ્યુટિફિકેશન અને સુધારણામાં યોગદાન આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યાના અત્યાધુનિક એરપોર્ટના પ્રથમ તબક્કાને 1,450 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 6500 ચોરસ મીટર હશે, જે વાર્ષિક અંદાજે 10 લાખ મુસાફરોને સેવા આપવા માટે તૈયાર હશે.


