તા.૨૨ મીથી ગુજરાત પ્રવાશે આવતા PM રાજકોટમાં જાહેરસભા સંબોધી સીધા જ દિલ્હી પહોંચશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૨૨ મી ફેબ્રુઆરીથી ચાર દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, જામનગર, દ્વારકા બાદ રાજકોટમાં ૨૫ મીએ એઇમ્સ,ઝનાના હોસ્પિટલના લોકાર્પણ બાદ જાહેરસભાને સંબોધી સાંજે રાજકોટથી સીધા જ દિલ્હી જવા રવાના થવાનું જાણવા મળે છે, બીજી તરફ રાજકોટ કાર્યક્રમમાં અંદાજે ત્રણ હજાર કરોડના લોકાર્પણ – ખાતમુહૂર્ત થવાનું છે.
રાજકોટ અધિક જિલ્લા કલેકટર દ્વારા વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓને લઈ રાજકોટ મહાનગર પાલિકા, નેશનલ હાઇવે ઓથોરિટી, જીઆઇડીસી, માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર વિકાસ કામો સંગે માહિતી મેળવી હોવાનું તેમજ તા.૨૫ મી ફેબ્રુઆરીએ વડાપ્રધાનના હસ્તે અંદાજે ૩ હજાર કરોડનાં વિકાસ કામોના ખાત ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૨૨મીથી ગુજરાત પ્રવાસે આવ્યા બાદ અમદાવાદ, ગાંધીનગર, સુરત, જામનગર, દ્વારકા અને રાજકોટ પ્રવાસ દરમિયાન સહકાર સંમેલન સહિતના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવાની સાથે અનેકવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજ્યા બાદ રાજકોટ રેષકોર્ષ ખાતે જાહેરસભાને સંબોધન કરી રાજકોટ હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી સીધા જ દિલ્હીની ઉડાન ભરનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.