- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 7.30 કલાકે રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કરશે
- શિલજ ગામમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કરશે મતદાન
- કેન્દ્રીયગૃહ મંત્રી અમિત શાહ નારણપુરામાં કરશે મતદાન
ગુજરાતમાં લોકસભા 2024 માટે 7 મેના રોજ મતદાન યોજાશે.સવારે 8 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે.પીએમ મોદી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે 7મીએ ગુજરાત આવશે અને અમદાવાદની રાણીપની નિશાન વિદ્યાલયમાં મતદાન કરશે.
મોદી બે દિવસ હતા ગુજરાતના પ્રવાસે
ચૂંટણી પ્રચાર અર્થે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા અને સાબરકાંઠામાં રેલી સંબોધ્યા બાદ ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ પહોંચ્યા હતા. કમલમમાં પીએમ મોદીની સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ હાજર રહ્યાં હતા. પીએમ મોદીએ કમલમમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.
પહેલા અને બીજા ફેઝનું મતદાન પૂર્ણ
લોકસભા ચૂંટણી 2024ના બે તબક્કાના મતદાન પૂરા થઈ ચૂક્યા છે અને 7મી મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન છે. ગુજરાતની તમામ 25 ( કુલ 26 પણ એક બેઠક બિનહરિફ થઈ) બેઠકો પર 7મી મેના રોજ મતદાન થવાનું છે. પહેલા તબક્કાનું મતદાન 19 એપ્રિલના રોજ થયું હતું. જ્યારે બીજા ફેઝનું મતદાન 26 એપ્રિલે થયું હતું.ત્યારે ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થશે.
ભાજપનો 400 પારનો લક્ષ્યાંક
આ વખતે ભાજપે NDA માટે 400 પારનો લક્ષ્યાંક રાખ્યો છે. ગઈ ચૂંટણીની વાત કરીએ તો ગઈ વખતે ભાજપને એકલા હાથે 303 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માંડ 55 બેઠકો મળી હતી એટલે આ વખતે ભાજપ માટે એક તો જંગી લીડ જાળવવાની જવાબદારી તો છે જ જ્યારે સામે બાજુ કોંગ્રેસ સહિત અન્યોને તો જે પણ મળે તે ફાયદા જેવું જ છે.
ગુજરાતમાં અત્યાર સુધી મતદાનની પરિસ્થિતિ
પહેલી લોકસભા ચૂંટણી 1962માં આવી જેમાં 22 બેઠકો પર 57.96 ટકા મતદાન થયું. ત્યારબાદ 1967માં 24 બેઠકો માટે 63.77 ટકા મત પડ્યા. 1971માં 24 બેઠકો માટે 55.49 ટકા, 1977માં 26 બેઠકો માટે 59.21 ટકા, 1980માં 55.42 ટકા, 1984માં 57.93 ટકા, 1989માં 54.70 ટકા, 1991માં 44.01 ટકા, 1996માં 35.92 ટકા, 1998માં 59.30 ટકા, 1999માં 47.03 ટકા, 2004માં 45.16 ટકા, 2009માં 47.89 ટકા, 2014માં 63.66 ટકા અને 2019માં 64.51 ટકા મતદાન નોંધાયુ હતું.


