- PM મોદીએ અયોધ્યામાં મીરા માઝીના ઘરે પીધી હતી ચા
- મીરા માઝી ઉજ્જવલા યોજનાના 10મા કરોડ લાભાર્થી
- પીએમ મોદીએ મીરા માઝીને લખ્યો પત્ર અને મોકલાવી ભેટ
PM મોદીએ અયોધ્યામાં 30 ડિસેમ્બરે રેલવે અને એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું. આ દિવસે તેઓ અચાનક જ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને મળવા પહોંચી ગયા હતા. પીએમ મોદીએ મીરા માઝીના ઘરે ચા પીધી હતી. તેમના બાળકો સાથે સેલ્ફી પણ લીધી હતી. ત્યારે હવે પીએમ મોગીએ મીરા માઝીને એક પત્ર અને તેમના પરિવાર માટે ભેટ મોકલી છે.
પીએમ મોદીએ શું લખ્યુ પત્રમાં ?
PM મોદીએ પત્રમાં જણાવ્યું કે તમને અને તમારા પરિવારના તમામ સભ્યોને નવા વર્ષ 2024ની હાર્દિક શુભકામનાઓ. ભગવાન શ્રી રામની પવિત્ર નગરી અયોધ્યામાં તમને અને તમારા પરિવારના સભ્યોને મળીને અને તમારા દ્વારા તૈયાર કરાયેલી ચા પીને ઘણો આનંદ થયો. સાથે જ જણાવ્યું કે અયોધ્યાથી આવ્યા પછી મેં ઘણી ટીવી ચેનલો પર તમારો ઈન્ટરવ્યુ જોયો. તમારા અને પરિવારના અન્ય સભ્યોનો આત્મવિશ્વાસ અને તમે જે રીતે તમારા અનુભવો શેર કર્યા તે જોઈને આનંદ થયો. તમારા જેવા મારા કરોડો પરિવારના સભ્યોના ચહેરા પરનું આ સ્મિત મારી મૂડી છે, સૌથી મોટો સંતોષ છે, જે મને દેશ માટે પૂરા દિલથી કામ કરવાની નવી ઉર્જા આપે છે.
વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા મહત્વની ભૂમિકા
પીએમ મોદીએ મીરા માઝીને કહ્યું કે તમે ઉજ્જવલા યોજનાના 10મા કરોડ લાભાર્થી બનવું એ માત્ર એક સંખ્યા ન હતી, પરંતુ હું આને દેશના કરોડો લોકોના મોટા સપના અને સંકલ્પોની પરિપૂર્ણતા સાથેની કડી તરીકે જોઉં છું. મને પૂરો વિશ્વાસ છે કે અમૃત કાળમાં, તમારા જેવા આકાંક્ષાઓથી ભરેલા દેશના કરોડો લોકોના ઉત્સાહનો જોમ એક ભવ્ય અને વિકસિત ભારતના નિર્માણના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે .
મીરા માઝીના ઘરે પીધી હતી ચા
મહત્વનું છે કે પીએમ મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પહેલા વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન કરવા અયોધ્યાની તેમની મુલાકાત દરમિયાન 30 ડિસેમ્બરે પીએમ તેમના ઘરે ગયા અને ચા પીધી. જેને લઇને મીરા માઝીએ અને તેમના પરિવારે ખુશી વ્યક્ત કરી હતી.


