- અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને પીએમ મોદીની સલાહ
- મંત્રીઓને તથા સાંસદોને કહ્યું પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન માહોલ ખરાબ ન થાય
- 22 જાન્યુઆરી બાદ રામલલ્લાના લોકોને દર્શન કરાવો
અયોધ્યા રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આજે સીએમ યોગી આદિત્યનાથ રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા છે. કાર્યક્રમને લઇને તમામ સુવિધા અને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. ત્યારે આ પ્રસંગે પીએમ મોદીએ મંત્રીઓને કડક શબ્દોમાં સલાહ આપી છે.
પ્રાણપ્રતિષ્ઠા મામલે પીએમ મોદીએ આપ્યા નિર્દેશ
પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓ સખત નિર્દેશ આપતા જણાવ્યુ કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઇને સાવચેત રહો. તેમણે કડક શબ્દોમાં કહ્યુ કે આ પ્રસંગને લઇને આસ્થા દર્શાવો આક્રમકતા નહી. વધુમાં જણાવ્યુ કે આ મામલે નિવેદનબાજી કરવાનું ટાળો અને મર્યાદાનો ખ્યાલ રાખો. પીએમ મોદીએ કહ્યું કે તમામ પોત પોતાના સંસદીય ક્ષેત્રમાં આ વાતનો ખ્યાલ રાખે કે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન કોઇ પણ પ્રકારની ગરબડ ન થાય અને માહોલ ખરાબ ન થાય.
તમારા વિસ્તારના લોકોને દર્શનનો લાભ આપો
આ સાથે જ પીએમે એમ પણ કહ્યું કે તેઓ પોતપોતાના વિસ્તારના લોકોને 22 જાન્યુઆરી પછી રામજીના દર્શન કરવા માટે લાવે અને વધુમાં વધુ લોકોને રામલલ્લાના આશીર્વાદ અપાવે.
હરિહરનનું ભજન શેર કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે તેમના ટ્વિટર હેન્ડલ દ્વારા એક ભજન શેર કર્યું છે. પ્રસિદ્ધ ગાયક હરિહરનના ભજનને શેર કરતા વડાપ્રધાને લખ્યું છે કે હરિહરન જીની અદ્ભુત ધૂનથી સુશોભિત આ રામ ભજન દરેકને ભગવાન શ્રી રામની ભક્તિમાં તલ્લીન કરી દેશે. વડાપ્રધાને લોકોને આ ભજન માણવાની અપીલ કરી છે.


