- મિઠાઈ વહેંચી અને ફટાકડા ફોડી દિવાળી પર્વ મનાવ્યુ
- પરિવારથી દૂર દેશની સુરક્ષા કરતા જવાનોની વિશેષ ઉજવણી
- જમ્મુના નૌશેરા સેક્ટરમાં જવાનોનું દિવાળી સેલિબ્રેશન
દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સરહદ પર જવાનો સાથે દિવાળી ઉજવશે. જો કે આ અંગે ભારતીય સેના અથવા વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે PMની દિવાળી છમ્બ સેક્ટરમાં સેનાની 191 બ્રિગેડ સાથે યોજાશે. ભારતીય સેનાના જવાનોએ PM મોદીને આવકારવા અને જમ્મુમાં અંકુશ રેખા પાસે છમ્બ સેક્ટરમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સંબંધિત સૈન્ય એકમના સૂત્રોએ જણાવ્યું કે સૈનિકોએ પીએમ મોદીને ખાસ મીઠાઈ ખવડાવવાની તૈયારી કરી લીધી છે.
PMની મુલાકાતને લઈને કેન્દ્ર દ્વારા સુરક્ષા કડક કરવામાં આવી રહી છે
વડાપ્રધાનની મુલાકાતને લઈને સરહદ પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સૈન્યના જવાનો સાથે દિવાળી મનાવવા માટે જ્યોદિયાના રખ્ખ મુઠ્ઠી વિસ્તારમાં પહોંચવાના છે, જેને લઈને આસપાસના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દિવાળીની ઉજવણી કરીને દિલ્હી પરત ફરતા પહેલા પીએમ મોદી એક સૈન્ય સંમેલનને પણ સંબોધિત કરશે.
પીએમ મોદી સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે
2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદી દર વર્ષે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. 2014માં PMએ સિયાચીન ગ્લેશિયરમાં, 2015માં પંજાબના અમૃતસરમાં અને 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આ પછી, વર્ષ 2017માં, વડા પ્રધાને કાશ્મીરના ગુરેઝમાં, વર્ષ 2018માં ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ વિભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
2020 માં પીએમ મોદીએ રાજસ્થાનના જેસલમેરમાં દિવાળી ઉજવી, વર્ષ 2021 માં રાજૌરી જિલ્લાના નૌશહરામાં અને વર્ષ 2022 માં કારગીલમાં, પીએમ નરેન્દ્ર મોદીએ દિવાળીની ઉજવણી કરી હતી. દર વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સશસ્ત્ર દળોની મુલાકાત લેતા હોય છે અને જવાનોને પ્રોત્સાહિત કરતા હોય છે. દિવાળીના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. “પરિવારના તમામ સભ્યોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ ખાસ તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”
યોગી આદિત્યનાથે અભિનંદન પાઠવ્યા હતા
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે લખ્યું, “અસત્ય પર સત્યની જીત, અત્યાચાર પર સદાચાર, અંધકાર પર પ્રકાશના મહાન તહેવાર દિવાળીના અવસર પર રાજ્યની જનતાને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.” ઉત્તર પ્રદેશના સીએમએ લખ્યું, “ભગવાન શ્રી રામ અને માતા જાનકીની કૃપાથી, આ પવિત્ર તહેવાર તમારા બધાના જીવનને સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સ્વાસ્થ્યના સફેદ પ્રકાશથી પ્રકાશિત કરે. જય શ્રી રામ.”