- વૈશ્વિક મીડિયા દ્વારા પ્રાધાન્ય સાથે વ્યાપક કવરેજ અપાયું
- બ્રિટનના ‘ધ ગાર્ડિયન’ અખબારે વડાપ્રધાન મોદીના યૂક્રેનપ્રવાસ અંગે વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કર્યો છે
- તેઓ ગયા મહિને મોસ્કોના પ્રવાસે હતા ત્યારે રશિયન પ્રમુખ પુતિનને પણ ભેટયા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યૂક્રેન પ્રવાસ પર સમગ્ર વિશ્વની નજર રહી. ખાસ કરીને મોદી યૂક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીને ઉષ્માભેર જે રીતે ભેટયા અને યુદ્ધ અંગે પોતાની વાત મૂકી તેની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. દુનિયાભરના ટોચના અખબારોએ આ સમાચાર પ્રકાશિત કર્યા છે. ન્યૂયોર્ક
ટાઇમ્સે ભારતની વિદેશનીતિની સરાહના કરતા લખ્યું છે કે વડાપ્રધાન મોદી યુદ્ધગ્રસ્ત રશિયા અને યૂક્રેન બંને સાથેના સંબંધો સાવધાનીપૂર્વક જાળવી રહ્યા છે. તેઓ ગયા મહિને મોસ્કોના પ્રવાસે હતા ત્યારે રશિયન પ્રમુખ પુતિનને પણ ભેટયા હતા. ભારત રશિયાનું મહત્ત્વનું વ્યાપાર ભાગીદાર છે. ભારતે જૂનમાં યૂક્રેનમાં શાંતિ સમજૂતી માટે પ્રતિનિધિ મોકલ્યા હતા પણ યૂક્રેનમાં શાંતિ માટે યોજાયેલા અન્ય એક સંમેલનમાં ભારત નહોતું જોડાયું. બ્રિટનના ‘ધ ગાર્ડિયન’ અખબારે વડાપ્રધાન મોદીના યૂક્રેનપ્રવાસ અંગે વિસ્તૃત રિપોર્ટ પ્રકાશિત કર્યો છે, જેમાં મોદીના યૂક્રેનપ્રવાસને ઐતિહાસિક ગણાવતું ઝેલેન્સ્કીનું નિવેદન હેડિંગમાં લેવાયું છે. અમેરિકાની અગ્રણી મીડિયા ચેનલ સીએનએને લખ્યું કે ભારત યુદ્ધવિરામની સતત અપીલ કરી રહ્યું છે પણ તેણે હજુ સુધી રશિયાની ટીકા કરવાનું ટાળ્યું છે. ભારત રશિયાના અર્થતંત્ર માટે લાઇફલાઇનનું કામ કરી રહ્યું છે અને રશિયાથી ક્રૂડની ભારે આયાત કરી રહ્યું છે. સીએનએનના રિપોર્ટમાં મોદીના એ નિવેદનનો પણ ઉલ્લેખ હતો કે કોઈ પણ સમસ્યા યુદ્ધના મેદાનમાં ન ઉકેલાઈ શકે.
ભારત હંમેશા શાંતિની તરફેણમાં રહ્યું છે : BBC
ઝેલેન્સ્કી સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે યુદ્ધની સ્થિતિમાં ભારત ક્યારેય તટસ્થ નથી રહ્યું. ભારત પહેલા દિવસથી જ શાંતિનું હિમાયતી રહ્યું છે. આ વાતને બીબીસીના રિપોર્ટમાં પ્રાથમિકતા સાથે રજૂ કરાઈ છે. જોકે બીબીસીના રિપોર્ટમાં પણ કહેવાયું હતું કે યૂક્રેન પર રશિયાના હુમલાની ભારતે ક્યારેય ટીકા નથી કરી.


