- સમગ્ર રૂટ પર વિવિધ સમાજના નાગરિકો દ્વારા PMના સ્વાગત માટે સ્ટેજ ઊભા કરાશે
- 9થી 26 જાન્યુઆરી સુધી સમગ્ર અમદાવાદ રોશનીથી ઝળહળી ઊઠશે
- 9 જાન્યુઆરી, મંગળવારના રોજ વાઈબ્રન્ટ ગુજરાત સમીટનો પ્રારંભ કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તા. 9 જાન્યુઆરી, 2024ના રોજ એરપોર્ટથી ગાંધીઆશ્રામ સુધી રોડ શોનું આયોજન કરવામાં આવશે. UAEના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન કે જેઓ MBZ તરીકે જાણિતા છે તેઓ પણ આ રોડ શોમાં PM મોદી સાથે જોડાશે, વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે દેશ-વિદેશના મહાનુભાવો શહેરની મુલાકાત લેવા આવી રહ્યા હોવાને પરિણામે AMC દ્વારા
તા. 9 જાન્યુઆરીથી તા. 26 જાન્યુઆરી સુધી શહેરમાં તમામ બ્રિજ, નાના-મોટા સર્કલ અને જાહેર સ્થળોએ રોશની કરાશે. PM મોદી દ્વારા તા. 9 જાન્યુઆરી, મંગળવારના રોજ વાઈબ્રન્ટ ગુજરાત સમીટનો પ્રારંભ કરાશે. ગુજરાત સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમ વાઈબ્રન્ટ ગુજરાતના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવનાર છે ત્યારે યોજાનાર રોડ શો વિવિધ સમાજના લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાશે. આ હેતુસર AMC જુદી જુદી જગ્યાએ સ્ટેજ ઊભા કરશે અને P.M.ના રોડ શો માટે મ્યુનિ. દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત 2024માં દેશ વિદેશનાVVIP ગુજરાતમાં આવી રહ્યા છે અને અમદાવાદની મુલાકાત લેશે. દેશ વિદેશના મહાનુભાવોના આગમનને ધ્યાનમાં લઈને સમગ્ર શહેરને લાઇટિંગથી શણગારવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ, અટલ બ્રિજ, શહેરમાં વિવિધ સ્થળે આવેલા બ્રિજ, નાના- મોટા સર્કલો, ભદ્રના કિલ્લા સહિત કેટલાંક હેરિટેજ સ્થળોએ લાઈટિંગ કરવામાં આવશે. તા. 9 જાન્યુઆરીથી લઈ 12 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ, પછી તા. 14 જાન્યુઆરીએ ઉતરાયણનો તહેવાર, તા. 22 જાન્યુઆરીએ રામમંદિરનું ઉદ્ઘાટન અને તા. 26મી જાન્યુઆરી ભારતનો પ્રજાસત્તાક દિવસ હોવાને પરિણામે શહેરમાં મુખ્ય રસ્તાઓ બ્રિજ મોટા સર્કલો વગેરે સ્થળોએ અવનવી રોશની કરવામાં આવશે.


