ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી ટેસ્ટ ડે-નાઈટ પિંક બોલ ટેસ્ટ હશે. આ મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયાએ પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન સામે બે દિવસીય વોર્મ-અપ મેચ રમવાની હતી. વોર્મ-અપ મેચ આજે એટલે કે શનિવાર, 30 નવેમ્બરથી શરૂ થવાની હતી, પરંતુ વરસાદના કારણે પ્રથમ દિવસ ટોસ વિના રદ કરવામાં આવ્યો હતો.
ટીમ ઈન્ડિયાને થયું મોટું નુકશાન
મેચના પ્રથમ દિવસનું રદ્દ થવું ટીમ ઈન્ડિયા માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે. કારણ કે હવે ભારતીય ટીમને પિંક બોલ ટેસ્ટની તૈયારી માટે વોર્મ-અપ મેચમાં માત્ર એક જ દિવસ મળશે. મનુકા ઓવલમાં આ મેચ રમાવાની છે, જ્યાં વરસાદ ટીમ ઈન્ડિયા માટે વિલન બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
બીજા દિવસે મેચ 50-50 ઓવરની રહેશે
પ્રથમ દિવસ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બંને ટીમો બીજા દિવસે 50 ઓવરની મેચ રમશે એટલે કે બીજા દિવસે બંને ટીમોએ 50-50 ઓવરની મેચ રમવાની રહેશે. આ રીતે ટીમ ઈન્ડિયાને બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં 50-50 ઓવર મળશે.
આ મેચ 06 ડિસેમ્બરથી રમાશે
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ 06 ડિસેમ્બરથી રમાશે. આ ગુલાબી બોલની ડે-નાઈટ ટેસ્ટ હશે, જે એડિલેડ ઓવલ ખાતે રમાશે.
ભારત સિરીઝમાં 1-0થી આગળ
પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ પર્થમાં રમાઈ હતી. પર્થ ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. જસપ્રીત બુમરાહની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ 295 રનથી જીતી હતી. જસપ્રીત બુમરાહ આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન છે, જ્યારે રોહિત શર્મા નિયમિત કેપ્ટન છે. રોહિત શર્મા પોતાના બીજા બાળકના જન્મને કારણે સિરીઝની પ્રથમ ટેસ્ટમાં રમી શક્યો ન હતો, જેના કારણે જસપ્રિત બુમરાહે કેપ્ટનશિપની જવાબદારી લીધી હતી. બુમરાહની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.


